ગુજરાત
News of Tuesday, 10th December 2019

કસ્તુરબા સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવી રૂ. 1 લાખનો હાથફેરો કરનાર બે ચોરને અડાજણ પોલીસે દબોચ્યા

સુરત: પાલનપુર પાટિયા સ્થિત આઇ.એન. ટેકરાવાલા સ્કુલની પાછળ આવેલી કસ્તુરબા સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવી રૂ. 1 લાખનો હાથફેરો કરનાર બે ચોરને અડાજણ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.રાંદેર રોડ પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી આઇ.એન. ટેકરાવાલા સ્કુલની બાજુમાં આવેલી કસ્તુરબા મહિલા સોસાયટીમાં અઠવાડિયા અગાઉ તસ્કરો ત્રાટકયા હતા. સોસાયટીના ઘર નંબર 149માં રહેતા હિતેષ છગન પટેલ તા. 30 નવેમ્બરના રોજ ઓલપાડ તાલુકાના અરિયાણા ગામ ખાતે કાકા મોહનભાઇ ભીખાભાઇ પટેલની મરણોત્તર બારમાની વિધી માટે સહપરિવાર સાથે ગયા હતા. તે દરમિયાન રસોડાના પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસીને તસ્કરો રોકડ, દાગીના મળી રૃા.1 લાખની મત્તા ચોરી ગયા હતા. અન્ય ઘરના કેમેરાના ફુટેજમાં સવારે ૩થી ૪ દરમિયાન ત્રણ યુવાનો ચોરી કરતા નજરે પડયા હતા. તેના આધારે તપાસ અંતર્ગત ગત મોડી રાત્રે બે ચોર મોહમદ રફીક માઝીદ શેખ અને રાજુ મહમદ જૈનલ શેખ (બંન્ને રહે. રાધા ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, નિલમ હોટલની પાછળ, કડોદરા) ને ઝડપી પાડી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મોહમદ અને રાજુની પ્રાથમિક પુછપરછમાં તેઓ મુંબઇમાં કેટરીંગમાં કામ કરે છે. તે દરમ્યાન નિલેશ ઉર્ફે નિઝામ સાથે પરિચય થયો હતો અને હાલમાં નિલેશ કડોદરામાં રહે છે. જેણે સુરતમાં કેટરીંગનું કામ હોવાનું કહી બોલાવ્યા હતા અને ત્યાર બાદ ચોરીનો કસબ અજમાવ્યો હતો. 

(4:59 pm IST)