ગુજરાત
News of Tuesday, 10th December 2019

૧૫ થી ૨૦ ટકાના વ્યાજના ચક્કરમાં ફસાવીને ત્રણ વ્યાજખોરો દ્વારા બાકરોલના યુવકને જાનથી મારી નાખવાની ધમકી

આણંદ : બાકરોલ ગામે રહેતા એક યુવાનને ૧૫ થી ૨૦ ટકાના વ્યાજના ચક્કરમાં ફસાવીને ત્રણ વ્યાજખોરો દ્વારા અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં પોલીસે વ્યાજે નાણાં ધીરધાર અધિનિયમની કલમ સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર બાકરોલ ગામના લાલ થાંભલા પાસે આવેલા જલાસ્વામી પાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી અમિતકુમાર ઉમેદભાઈ ભોઈએ મકાનનો બીજો માળ બનાવવાનો હોય બેંકમાંથી પાંચ લાખની લોન લીધા બાદ પણ પૈસાની જરૂરત પડતાં ૨૭-૫-૧૯ના રોજ લાયસન્સ ના હોવા છતાં પણ વ્યાજે નાણાં ધીરધાર કરવાનો ધંધો કરતા મીલનભાઈ જયંતિભાઈ પાસેથી ૧૫ ટકા વ્યાજે દશ હજાર રૂપિયા લીધા હતા. જે પગાર થતાં પરત કરી દીધા હતા. ત્યારબાદ અવાર-નવાર પૈસા લેવાનું ચાલુ કર્યું હતુ. મુડી પરત ના કરે તો તે વ્યાજ મુડીમાં ફેરવાઈ જતું હતુ. આમ કરતાં-કરતાં ત્રણ લાખ થઈ જવા પામ્યા હતા. જેથી મિલનભાઈ અને તેના ભાઈ ખિનીત દ્વારા અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરતાં અમિતભાઈએ હાલ મારી પાસે આટલા પૈસાની વ્યવસ્થા નથી થશે એટલે આપી દઈશ તેમ જણાવ્યું હતુ. દરમિયાન બે મહિના પહેલા મિલને જણાવ્યું હતુ કે, આપણી સોસાયટીમાં આણંદવાળા રાજુભાઈ નટવરભાઈ પટેલ આવે છે તેમની પાસેથી હું પૈસા અપાવી દઉ પરંતુ તેઓ ૨૦ ટકા વ્યાજ લેશે અને તે માટે લખાણ પણ લખવું પડશે. તેમ જણાવતા પત્ની સાથે વાત કર્યા બાદ અમિતભાઈ વ્યાજે પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા. જેથી આણંદની વકીલ ચેમ્બરમાં જઈને વ્યાજ વગર પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે જે ત્રણ વર્ષની અંદર પરત કરવાના રહેશે તેમ લખ્યું હતુ. તેમ છતાં પણ ૧૫ દિવસનું વ્યાજ કાપીને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જે ખાતામાં ભર્યા બાદ મિલનના ખાતામાં ૨.૩૫ લાખ રૂપિયા તેમજ ખિનિતને ગુગલ પે દ્વારા ૨૫ હજાર આપી દીધા હતા. બીજા દિવસે બેંકમાંથી રોકડા ઉપાડીને ૪૩ હજાર રૂપિયા મિલનને વ્યાજપેટે ચૂકવ્યા હતા. ત્યારબાદ દિવાળી પછી રાજુભાઈને વ્યાજ ચૂકવવાની મુદ્દત આવતાં ૩૫ હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ અવાર-નવાર મિલન અને તેનો ભાઈ ખિનીત પૈસા આપવા માટે દબાણ કરવા લાગ્યા હતા. ગત તારીખ ૬-૧૨-૧૯ના રોજ મિલન અને ખિનિતે તુ પૈસા પાછા આપી દે, ક્યાં તો વ્યાજ આપી દે તેમ જણાવીને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી કંટાળી ગયેલા અમિતભાઈ મુંબઈ જતા રહ્યા હતા અને મિત્ર વિક્રમભાઈ ભરવાડને મેસેજ કરીને આપઘાત કરવાની વાત કરી હતી. જેથી વિક્રમભાઈએ સમજાવતા આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો અને પરત બાકરોલ આવીને વિદ્યાનગર પોલીસ મથકે આવી ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)