ગુજરાત
News of Tuesday, 10th December 2019

સરકારે ૫૩૬૮૧ ખેડૂતો પાસેથી ૫૬૦ કરોડની મગફળી ખરીદીઃ બે દિ'માં ચુકવણુ શરૂ થશે

રોજના ૪૦૦૦ થી વધુ ખેડૂતો આવવા લાગ્યાઃ નાણાકીય વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ

રાજકોટ તા.૧૦: રાજય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ટેકાના ભાવે મગફળી ખરીદી થઇ રહી છે. કુલ ૪.૭૧ લાખ ખેડુતોએ મગફળી વેચવા માટે ઓનલાઇન નોધણી કરાવેલ તે પૈકી આજે બપોર સુધીમા ૫૩૬૮૧ ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવી છે. હવે ખેડૂતોને નાણા ચૂકવણીની પ્રક્રિયા શરૂ થઇ છે.

રાજય સરકાર દ્વારા ૧૮ નવેમ્બરથી ૧૪૦ જેટલા કેન્દ્રો પર ખરીદી ચાલી રહી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૧૭૩ ખેડુતો ગઇકાલે આવ્યા હતા. આજે પણ ૪૦૦૦ થી વધુ ખેડૂતો આવે તેવી ધારણા છે. હજુ મોટા પ્રમાણમાં ખરીદી બાકી છે. ધીમે ધીમે ખરીદીમાં ઝડપ આવી રહી છે.

સરકારે અત્યાર સુધીમાં  રૂ.૫૬૦ કરોડની ૧.૧૧ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી છે. ચૂકવણી પ્રક્રિયા જિલ્લા કક્ષાએથી થશે નિગમે પ્રથમ તબક્કે રૂ.૧૦૦ કરોડ કલેકટર તંત્રના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. ખેડુતોને બે દિવસમાં તબક્કાવાર ચૂકવણુ શરૂ કરવામાં આવશે મગફળીના નાણા જે તે જિલ્લા કક્ષાએથી સીધા જ ખેડૂતના ખાતામાં જમા થશે.

(4:13 pm IST)