ગુજરાત
News of Tuesday, 10th December 2019

ટ્રિપલ મર્ડર અને ગેરકાયદે હથિયારમાં વોન્ટેડ કાઠી શખ્સો સાથે અમદાવાદમાં રાજકોટની લેડી ડોન તરીકે કુખ્યાત સોનુ ડાંગર ઝડપાઈ

શિવરાજ વિછીયા અને ગૌતમ ખુમાણ ઓઢવમાં છુપાયાની બાતમીના આધારે પીઆઇ આર.જી. જાડેજાએ છાપો મારતા સાથે સોનુ ડાંગર પણ મળી : ઘનિષ્ઠ પુછતાછ

રાજકોટ, તા. ૧૦ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આજે સ્થાનિક પીઆઇ આર.જી. જાડેજાએ પૂર્વ બાતમીના આધારે ચોક્કસ સ્થળે રેડ કરી સાવરકુંડલા ટ્રિપલ મર્ડર અને ગેરકાયદે હથિયારોના પ્રકરણમાં ત્રણ માસથી વોન્ટેડ શિવરાજ રામભાઈ વિછીયા (રહે. રબારીકા - ભાવનગર) અને ગૌતમ નાનકુ ખુમાણને ઝડપી લીધાની સાથોસાથ આ બંને કુખ્યાત શખ્સો સાથે રાજકોટમાં લેડી ડોન તરીકે કુખ્યાત બનેલી સોનુ ડાંગરને પણ અટકાયતમાં લેવામાં આવી છે.

ઓઢવ પી.આઈ. આર.જી. જાડેજાના જણાવ્યા મુજબ સાવરકુંડલા નજીક થોડા મહિના પહેલા ત્રણ મુસ્લિમ શખ્સોના થયેલી હત્યા અને અમરેલીના વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છ ગેરકાયદે ફાયર આર્મ્સના ગુનામાં બંને કાઠી શખ્સો સંડોવાયેલા છે. આ બંનેને સાથે સોનુ ડાંગરને રાઉન્ડઅપ કરવામાં આવી છે. ત્રણેય લોકોએ વોન્ટેડ સમયગાળા દરમિયાન કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે.

(4:12 pm IST)