ગુજરાત
News of Tuesday, 10th December 2019

મહેસુલી કર્મચારીઓની હડતાલનો બીજો દિ':આજે પણ ધરણા- સુત્રોચ્ચાર યોજાયાઃ રાજકોટ કલેકટરનું કાલનું બોર્ડ રદ કરાયું

સરકારને ર દિ'માં લાખોનું નુકશાનઃ પુરવઠામાં રેશનીંગ કાર્ડના ઢગલા થઇ ગયા...: હડતાલમાં ન જોડાનાર બે નાયબ મામલતદારને મંડળમાંથી દૂર કરાયાઃ તમામ કચેરીઓ સૂમસામ...

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત રાજયભરમાં ૧૦ હજારથી વધુ મહેસુલી કર્મચારીઓ વિવિધ ૧૭ જેટલી માગણીઓ સાથે હડતાલમાં ઉતરી ગયા છે, સરકારે વાટાઘાટો માટે બોલાવ્યા નથી, અને હડતાલ ઉપર જનાર કર્મચારીઓએ પણ સરકાર લેખીતમાં ન આપે ત્યાં સુધી મંત્રણા માટે ન જવા મક્કમ છે, હડતાલમાં ફિકસ પગારદાર કારકૂન - નાયબ મામલતદારો પણ જોડાયા છે, પરીણામે કલેકટર સહિત મહેસુલની તમામ કચેરીઓ સૂમસામ બની ગઇ છે, એકપણ ફાઇલો આગળ વધી નથી, અરજદારોને ભારે ધકકા થયા છે, પુરવઠાની ચારેય ઝોનલ કચેરીમાં રેશનીંગ કાર્ડની કામગીરીના ઢગલા થઇ ગયા છે.

સરકારને હડતાલથી તમામ નાણાકીય બાબત થઇને ર દિ' માં લાખોનું નુકશાન થયું છે. રાજકોટ મહેસુલી  કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, હડતાલ સજ્જડ - જડબેસલાક છે, આજે પણ સતત બીજા દિવસે ધરણા - સુત્રોચ્ચાર - દેખાવો દરેક કલેકટર કચેરી ખાતે યોજાયા હતાં.

તેમણે જણાવેલ કે કલેકટર કચેરીમાં તમામ મીટીંગો રદ થઇ છે. હડતાલમાં ન જોડાનાર બે નાયબ મામલતદારો જે. બી. જાડેજા અને નિશાબેન લાખાણીને મંડળમાંથી સભ્યપદેથી દુર કરાયા છે.

દરમિયાન ૧ર મીએ ગાંધીનગરમાં મહેસુલી કર્મચારીઓની મોટી રેલી છે, તેમાં રાજકોટથી દરેક કર્મચારી જોડાશે તેમ શ્રી ઝાલાએ ઉમેર્યુ હતું.

મહેસુલી કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા, પ્રમોશન, સહિતના ૧૭ જેટલા મુદા અંગે હડતાલ પડી છે.

દરમિયાન હડતાલની ગંભીર અસર કલેકટર કચેરીમાં દર બુધવારે યોજાતા કેસના બોર્ડ-બીન ખેતી ઓપન હાઉસ બોર્ડ ઉપર પડી છે. કાલનું કલેકટરનું બોર્ડ રદ કરાયું છે, અરજદારો-વકીલોમાં દેકારો બોલી ગયો છે., સરકારે તાકીદે નીવેડો લાવવો જોઇએ તેમ માગણી ઉઠી છે., હડતાલને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં મૂકાયા છે, ચૂંટણીમાં પણ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

(11:55 am IST)