ગુજરાત
News of Tuesday, 10th December 2019

એક જ પરિવારના છની હત્યા રફાળેશ્વર પાસેથી જેની લાશ મળી તે વિક્રમે જ કરેલી

મોરબીના રફાળેશ્વર વિક્રમ ૪ વર્ષ રહયો હોવાથી પરિચીત હતોઃ ખુદ વિક્રમની માતાએ પોતાના પુત્રએ હત્યાની વાત કર્યાનો સનસનાટી ભર્યો ખુલાસો કર્યોઃ સમગ્ર ગુજરાતમાં ચકચાર સાથે અરેરાટી જગાવનાર દાહોદ પંથકના પલાસ પરિવારની કરૂણાંતીકામાં એસપી હિતેષ જોઇશર ટીમ દ્વારા અંતે ભેદ ઉકેલાયો

રાજકોટ, તા., ૧૦: સમગ્ર ગુજરાતમાં ચકચાર સાથે અરેરાટી ફેલાવનાર દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના તરકડામહુડી  ગામના પલાસ પરીવારના એક સાથે ૬ શખ્સોની હત્યાના મામલાનો ભેદ ઉકેલાવા સાથે અણધાર્યો વણાંક આવ્યો છે. આ તમામ હત્યાઓ મોરબીના રફાળેશ્વર નજીકથી જેની લાશ મળી હતી તે વિક્રમે જ તમામ હત્યાઓ કર્યાનો પર્દાફાશ દાહોદ એસપી હિતેષ જોઇસરની આગેવાની હેઠળની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

દાહોદ પંથકના ભરતભાઇ, શનીબેન, દિપીકાબેન, હેમરાજભાઇ, પ્રિતેશભાઇ તથા રવીભાઇની હત્યા કોઇ કારણસર ધારદાર તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે ઘા કરી કરવામાં આવ્યાની ફરીયાદ થવાના પગલે દાહોદ પોલીસ સાથે પંચમહાલ ગોધરા રેન્જ, જાલોદ, લીમખેડા તથા સીઆઇડી વડા આશીષ ભાટીયાના સુચનથી બરોડા સીઆઇડી ક્રાઇમ, મહીસાગર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવોડના કાફલા સાથે એસપી હિતેષ જોઇસર દોડી ગયા હતા. અલગ-અલગ એંગલથી તપાસ કરતા મૃતક ભરતની પત્ની શનીબેન તથા વિક્રમ વચ્ચે આડાસંબંધ હોવાની હકીકત ખુલવા સાથે વિક્રમનું અચાનક ચાલ્યુ જવુ વિગેરે બાબત શંકાસ્પદ જણાઇ આવતા પોલીસ ટીમ વિક્રમની શોધખોળ સીસીટીવી ફુટેજ આધારે ચલાવેલ. દરમિયાન મોરબીના રફાળેશ્વર ખાતે તપાસ ચાલતી હતી તે દરમિયાન રેલ્વે ટ્રેક પર કપાઇ જઇ આત્મહત્યા કરેલા શખ્સની લાશ મળેલ. આ લાશ વિક્રમ ચુનીલાલ પલાસની હોવાથી તપાસ ટીમ સતેજ બની હતી. વિક્રમની લાશ પરના કપડા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.

દરમિયાન એક હકીકત એવી બહાર આવી છે કે ભરતના પત્ની શનીબેનના વિક્રમ સાથેના આડાસંબંધોની જાણ થઇ જતા ભરતે પત્નીને એવું કહેલું કે વિક્રમ સાથેના તારા આડાસંબંધો અંગે હું ગામ ભેગું કરવાનો છું. વિક્રમને આ વાતની જાણ થઇ જતા પોતાની માતાને એવું કહેલ કે હું ભરત અને તેની બૈરી છોકરાવને મારી જતો રહું છુ઼.  તું કટારાને ત્યાં જતી રહેજે. વિક્રમ ત્યાર બાદ કુહાડી લઇ ભરતના ઘેર ગયેલ. પછી પરત આવેલ નહી. વિક્રમના ખિસ્સામાંથી પાટણથી સંતરામપુરની ટીકીટ મળી આવેલ. સીસીટીવીમાં પણ તે જોવા મળેલ. પોલીસે વિક્રમે ગુન્હામાં વાપરેલ હથીયાર શોધવા ૩ ડીવાયએસપી, ૪૦ પોલીસમેન, બીડીએસ અને ડોગ  સ્કવોડની ટીમ દ્વારા ૧૫ કિ.મી. ચાલીને લોહચુંબક બાંધી કુવાઓ ફંફોળેલ પરંતુ હથીયારો મળી આવ્યા નથી. વિક્રમ ૪ વર્ષ પહેલા તેના ભાણી અમીનાબેન અને તેના ઘરવાળા સાથે રફાળેશ્વર મજુરી કરી હોવાથી તે રફાળેશ્વર પહોંચ્યાનું બહાર આવેલ છે. હથીયાર શોધવા તથા વિક્રમને કોઇએ મદદ કરી છે કે કેમ? તે બાબતે તપાસનો ધમધમાટ ચાલી રહયો છે.

(11:55 am IST)