ગુજરાત
News of Tuesday, 10th December 2019

૪ કડવા પાટીદાર યુવાનોના મોતથી હાહાકાર

વીરપુર દર્શન કરી કારમાં સોમનાથ જતાં ગુમ થયેલ ગોધરાના રામપુરાના ચારેય યુવાનોના મૃતદેહ વંથલી પાસેના ૨૦ ફુટ ઉંડા વોંકળામાંથી મળ્યાઃ બે યુવાનોના મૃતદેહો કાર સાથે મળ્યા બાદ સવારે અન્ય બે યુવકોની ડેડબોડી મળીઃ ચારેય હતભાગી યુવકોની શોધખોળ માટે ૨૦૦ જેટલા પરિવારજનો આવેલઃ પુલ ઉપરથી વોંકળામાં ખાબકેલ, પરંતુ પુલની રેલીંગ તૂટી નથી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લઇ જવાયા

મેંદરડા-જુનાગઢઃ  પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના  ચાર યુવાનો નો રવિવાર ની વહેલી સવાર થી સંપર્ક સંપર્ક તૂટી જતા પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ ચારેય યુવાનો ના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતા અહીના વિસ્તારમાં પોલીસે ૧૦ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી પરંતુ શોધખોળના અંતે જૂનાગઢ થી મેંદરડા રોડ ઉપર ખડ પીપળી નવાગામ ગામ પાસે ના વેકરા નામના વોકળા માં ડૂબી ગયેલી હાલત માં કાર મળી આવી હતી અને ચારેય  યુવકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. (તસ્વીર-અહેવાલ વિનુ જોષી-ગૌતમ શેઠ-મુકેશ વાઘેલા જુનાગઢ-મેંદરડા)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: વિરપુર દર્શન કરવા આવેલા ગોધરાનાં રામપુરાનાં કડવા પાટીદાર પરિવારના ચારેય યુવાનોનાં મૃતદેહ વંથલી પાસેનાં ર૦ ફુટ ઉંડા વોંકળામાંથી કાર સહિત મળી આવતાં અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઇ છે.

આ કરૂણાંતિકામાં પ્રથમ રાત્રે બે યુવાનોનાં મૃતદેહો અને કાર મળી આવેલ બાદમાં આજે સવારે અન્ય બે યુવકોની ડેડ બોડી હાથ લાગી હતી.

ચારેયનાં મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદ લઇ જવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

ચારેય મૃતકોની શોધખોળ માટે તેમનાં ર૦૦ જેટલા પરિવારજનો એ રાત-દિવસ એક કર્યા હતા પરંતુ મૃતદેહો જ હાથ લાગતા તમામ લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

પંચમહાલ જિલ્લાનાં ગોધરા નજીકનાં રામપુરા ગામનાં મૌલિક ઇન્દ્રવદનભાઇ પટેલ (ઉ. વ. રર), જીગર પ્રકાશભાઇ પટેલ (ઉ.વ.ર૩), મોહિત મહેશભાઇ પટેલ અને પિનાકીન રમેશભાઇ પટેલ નામનાં ચાર યુવાનો જીજે-૧૭-બીએચ-૬૦ર૯ નંબરની ઇકો કારમાં વિરપુર દર્શન કરવા આવેલ પરંતુ તા. ૮ ની સવારનાં ૪-૩૦ કલાકથી આ યુવાનોનો સંપર્ક થઇ શકયો ન હતો જેથી પોલીસને જાણ કરતાં મેંદરડા અને વંથલી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. છેલ્લે યુવાનોનાં મોબાઇલનું લોકેશન મેંદરડા-વિસ્તારનું આવેલ બાદમાં મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયેલ.

આ અંગે એસપી સૌરભસિંઘે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ આર. કે. ગોહિલ સહિતની પોલીસની ૧૦ ટીમને યુવકોની શોધખોળ માટે કામે લગાડી હતી.

બીજી તરફ ચારેય યુવાનોની શોધખોળ માટે તેમનાં ર૦૦ જેટલા પરિવારજનો, મિત્રો, સગા-સબંધીઓ વગેરે શોધખોળ માટે દોડી આવ્યા હતા. ગઇકાલે આ  લોકો એક જ રૂટ પરથી ૧પ વખત નીકળેલ અંતે તેઓએ વંથલી પોલીસ સ્ટેશન હેઠળનાં ભાટિયા ગામનાં પાટિયા પાસે આવેલ ર૦ ફુટ ઉંડા વોંકળામાં કાર અને યુવાનોને શોધી કાઢયા હતા.

આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો રાત્રે જુનાગઢ ફાયર બ્રિગેડનાં અરજણ નંદાણીયા, રાજીવ ગોહિલ, અશ્વિન નંદાણીયા અને જીતુ પંડયાની મદદથી મોડી રાત્રે મૌલિક પટેલ અને જીગર પટેલનાં મૃતદેહો કાર સાથે શોધી કાઢયા હતા.

આ બંને યુવાનોની બોડી મળ્યા બાદ અન્યની શોધખોળ રાત્રે બની ન હતી પરંતુ આજે સવારે ફાયર બ્રિગેડના કમલેશ પુરોહિત, ભાવેશ વરૂ, રવિ ચુડાસમા અને ભાનુ કોશીયાની ટીમને મોહિત પટેલ અને પિનાકીન પટેલનાં મૃતદેહો હાથ લાગ્યા હતા.

આમ વિરપુર દર્શન કરવા આવેલા આ ચારેય યુવાનોનાં અકાળે કથિત અકસ્માતમાં મોત નીપજતાં કાળો કલ્પાંત છવાય ગયો હતો.

વંથલી પી.એસ.આઇ. ચૌહાણ વગેરેએ ચારેય યુવાનોનાં મૃતદેહોને જુનાગઢ સિવિલ હોસ્પિટલ મોકલી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પરંતુ આ યુવકો ગોધરા વિસ્તારનાં હોય તેથી તેમનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ યુવકો વિરપુર ખાતે દર્શન કરી બાદમાં સોમનાથ જવા રવાના થયા હતા પરંતુ તેઓ સોમનાથ પહોંચે તે પહેલા ચારેય યમધામ પહોંચી ગયા.

ભાટિયા ગામનાં પાટિયા પાસેનો ધુનો ર૦ ફુટથી પણ વધારે ઉંડો છે યુવાનોની ઇકો કાર પુલ પરથી ઘુનામાં ખાબકી હોવાનું અનુમાન છે.

જોકે પ્રત્યક્ષ દર્શીનાં જણાવ્યા મુજબ પુલની રેલીંગને કોઇ નુકશાન પહોંચ્યું નથી જેથી યુવાનોની કારને પાછળથી કોઇ વાહને ઠોકર મારી હોય અને કાર સાથે ઘુનામાં ખાબકી ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હોય તેવું અનુમાન થઇ રહ્યું છે.

આ તમામ બાબતે વંથલીના પી.એસ.આઇ. ચૌહાણ વગેરેએ તપાસ હાથ ધરી છે. મરનાર યુવકો એક ફાયનાન્સ કંપનીમાં સાથે જોબ કરતાં હતાં.

હતભાગી યુવાનોની કારને પણ ખુબ જ નુકશાન થયું છે કારમાંથી બે યુવાનોની લાશ મળી આવી હતી જયારે અન્ય બે યુવાનોનાં મૃતદેહો કારની બહાર અન્ય જગ્યાએ ઘુનામાંથી મળી આવ્યા હતા.

મૃતકોમાં ર યુવકો મિકેનીકલ એન્જીનીયર, એક આઇટીઆઇ અને એક ગ્રેજયુએટ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦: ગોધરા પંથકના ૪ કડવા પાટીદાર યુવકોનાં મોતથી ગમગીની વ્યાપી ગઇ છે. ત્યારે મૃતકોમાં ર મિકેનીકલ એન્જીનીયર છે જયારે એક યુવક આઇટીઆઇ અને એક યુવક ગ્રેજયુએટ છે.

મૃતકોમાંથી બે યુવકો પરીણીતઃ એકની પત્નિ સગર્ભા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૦ : જુનાગઢ જીલ્લાના મેંદરડા પાસે કરૂણ દુર્ઘટનામા ૪ કડવા પાટીદાર યુવકોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અકસ્માતનો ભોગ બનેલ જીગર પટેલના પત્ની સગર્ભા છે જયારે પીનાકીન પટેલના પણ લગ્ન થઇ ગયા છે. જયારે મૌલીન પટેલ અને મોહિત પટેલ અપરણીત છે.

(11:39 am IST)