ગુજરાત
News of Thursday, 10th October 2019

મહેન્દ્રસિંહને છેતરી ગયું ભાજપ: એનસીપી અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પહેલીવાર પુત્ર અંગે ટિપ્પણી

વાઘેલા કહ્યું કે, દારૂના નામે ગુજરાતમાં કરોડોનો આંધળો વ્યવહાર

અમદાવાદ : ગુજરાત એન.સી.પી.અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ મહેન્દ્રસિંહ વાઘેલાનાં નામે ભાજપ સામે પ્રહાર કર્યા છે  ભાજપને આડકતરી રીતે ટપારતા શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે કહયુ કે ભાજપ મહેન્દ્રસિંહને છેતરી ગયુ છે.

મહેન્દ્રસિંહ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે મને પૂછ્યું પણ નહીં અને હવે મહેન્દ્રસિંહનો ભાવ પણ કોઇ પૂછતું નથી. બાયડમાં એનસીપી આયોજીત ચૂંટણી સભામાં એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન કર્યું હતું.

બાયડ વિધાનસભાની બેઠક ધારાસભ્યપદેથી ધવલસિંહ ઝાલાના રાજીનામાના પગલે ખાલી પડી છે. પરિણામે ચૂંટણી યોજવાની નોબત આવી છે. 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે એનસીપીના પ્રચાર હેતુ જાહેરસભાને સંબોધન કરતાં શંકરસિંહ વાઘેલાએ મહેન્દ્રસિંહ વાઘેલા અંગે પ્રથમ વાર આ પ્રમાણે નિવેદન કર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું કે મહેન્દ્રસિંહ વાઘેલા પોતે પણ છેતરાયા હોવાની અનુભૂતિ કરી રહ્યાં છે. દરમિયાન બાયડ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયેલાં ધવલસિંહ ઝાલાએ ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. ત્યારે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.

 ભાજપ પર આકરા પ્રાહારો કરતા બાપુએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં દારૂનાં ક્વાર્ટરીયા વહેંચાય છે, પેટા ચૂંટણીઓમાં દારૂની રેલમ છેલમનો શંકરસિંહનો આક્ષેપ કર્યો હતો અને ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ હોવાનું  શંકરસિંહ વાઘેલાએ  સ્પષ્ટ જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલા કહ્યું કે, દારૂના નામે ગુજરાતમાં કરોડોનો આંધળો વ્યવહાર કરવામાં આવે છે. ગામડામાં, શહેરની ગલીઓમાં દારૂનું વેચાણ ખુલ્લે આમ થાય છે. જુવાન પેઢી દારૂના લઠ્ઠામાં પુરી થઇ ગઈ છે અને સરકાર પોતાનામાં વ્યસ્ત અને મસ્ત છે.

(10:02 pm IST)