ગુજરાત
News of Thursday, 10th October 2019

સિધ્ધપુર પંથકમાં ફોરલેન- બ્રિજ બનાવવા 188 લીમડાના વૃક્ષો કાપવા સામે લોકોમાં રોષ ફેલાયો

ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી ગયું

સિદ્ધપુરઃ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા થી રેલવે ફાટકથી ખેરાલુ રોડ પર બની રહેલા ઓવર બ્રીજની કામગીરી શરુ થવા જઇ રહી છે ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે.

ઓવર બ્રિજ નું કાર્ય અંદાજીત બે-વર્ષ ચાલવાનું હોય એને લઇ અત્યાર થી જ ડાયવરર્જન બિન્દુસરોવર, ઓવરબ્રિજ,ગોવિંદમાધવ સોસાયટી,લાલપુર,બિલિયા માર્ગે થઈ ખેરાલુ અપાયો છે. આ સબંધે ફોરેસ્ટ અધિકારી ભરત પટેલ ના જણાવ્યા મુજબ ભોપાલથી વૃક્ષ છેદન (મંજૂરી) પત્ર આવ્યા બાદ પુનઃ પ્રક્રીયા હાથ ધરાઈ છે.ગાયકવાડ સમયના લીમડા કપાયા બાદ ફોરેસ્ટ ખાતામાં રહેશે.ઓવર બ્રિજનું સ્થળ ઉપર કામકાજ સંભાળતા રઘુભાઈ પટેલ જણાવે છે કે રેલવે ઓવર બ્રિજ ફોરલાઈન બનશે. છેલ્લા બે વર્ષ થી કાર્ય અધ્ધરતાલ હતું, પણ હવે પ્રારંભ કર્યો છે જે અંદાજીત 2 વર્ષ માં પૂર્ણ થશે.

(9:22 pm IST)