ગુજરાત
News of Thursday, 10th October 2019

ચાલાણસ ગામે આઠ માસની બાળકીનો હત્યારો પિતા હતો

બાળકી પર એસિડ નાંખી હત્યા કરાયાનું ખુલ્યું : સિવિલ ખાતે બાળકીના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો

અમદાવાદ, તા.૧૦ : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચાલાસણમાં આઠ માસની બાળકીની હત્યા થઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવતાં કેસમાં નવો વળાંક આવ્યો હતો. માત્ર આઠ માસની બાળકી પર એસિડ નાંખીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો પીએમ રિપોર્ટમાં થતાં હવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. સિવિલ હોસ્પિટલની બી.જે.મેડિકલમાં  કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીની એસિડ છાંટી હત્યા થઇ હોવાની વાત સામે આવી હતી. પોલીસે આ કેસમંાં પહેલા તો અકસ્માત મોત નોંધ્યો હતો પરંતુ હવે આ સમગ્ર કેસમાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ખાસ કરીને પોલીસે બાળકીના માતા-પિતાની આકરી પૂછપરછ દરમ્યાન પિતા જ બાળકીનો હત્યારો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. પિતાએ પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબૂલી લીધો હતો. જેથી પોલીસે કયા કારણસર પિતાએ બાળકીની હત્યા કરી તે અંગેનું કારણ જાણવાની તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી આઠ માસની બાળકી પર અજાણી વ્યક્તિએ એસિડ એટેક કર્યો હતો.

          એસિડ એટેકમાં નિર્દોષ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને પગલે તેને કડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. પરંતુ તેનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. શરૂઆતમાં પોલીસે આ કેસમાં અકસ્માત મોત નોંધ્યો હતો પરંતુ ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડિકલમાં બાળકીના થયેલા પોસ્ટમોર્ટમ બાદ તેના રિપોર્ટમાં બાળકીની એસિડ છાંટી હત્યા કરાઇ હોવાનો ખુલાસો સામે આવ્યો હતો. જેને પગલે પોલીસે હવે સમગ્ર કેસમાં મર્ડરનો ગુનો નોંધી તપાસનો દોર આગળ ધપાવ્યો છે. બાળકી ઘોડિયામાં સૂતી હતી તે દરમ્યાન તેની માતા ઘરમાં કામ કરી રહી હતી અને તેની સાસુ બહાર હતી ત્યારે તેણે બાળકીના મોતની જાણ કરી હતી.

બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાઇ પરંતુ તેનું મોત નીપજયુ હતુ. બાદમાં બાળકીનું શહેરની સિવિલ હોસ્પિટલમાં પીએમ થતાં રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો હતો, જેને પગલે હવે પોલીસે બાળકીના માતા-પિતા સહિતના લોકોની પૂછપરછ કરી કેસમાં સાચુ કારણ બહાર લાવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસ સમક્ષ પિતાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી અને આમ, બાળકીનો હત્યારો પિતા જ નીકળતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:49 pm IST)