ગુજરાત
News of Thursday, 10th October 2019

પોલિયો રસી પીવડાવ્યા બાદ જોડિયા બાળકોના મોત થયા

સુરતના કામરેજના કિસ્સાને પગલે તંત્ર દોડતુ થયુ : બંને બાળકોના પીએમ રિપોર્ટ પર નજર : ૨૦-૨૦ વર્ષોના વ્હાણાં બાદથી અંતે પરિવારમાં જોડિયા પુત્રો જન્મ્યા હતા

અમદાવાદ,તા. ૧૦ : સુરતના કામરેજ ખાતે આરોગ્ય કેન્દ્રમાંથી બે જોડિયા બાળકોને પોલીયોની રસી પીવડાયા બાદ બાળકોનું અચાનક મોત થતાં પરિવારજનો ઘેરા આઘાતમાં ગરકાવ બન્યા હતા. બંને બાળકોના મોતથી પરિવાર હચમચી ગયો હતો. પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ સાથ હોબાળો મચાવ્યો હતો. બંને બાળકોના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ સામે આવે તેમ પોલીસ જણાવી રહી છે. જો કે, આ સમગ્ર કેસમાં આઘાતજનક વાત તો એ છે કે, ૨૦-૨૦ વર્ષોના વ્હાણાં બાદ પરિવારમાં જોડિયા પુત્રો અવતર્યા હતા પરંતુ અકાળે મોતથી શોકનો માતમ પથરાઇ ગયો હતો. મૃતકોના સ્વજનોનું કહેવું છે કે, અમે ૧૨ વાગ્યાથી ૧ વાગ્યાની વચ્ચે બાળકોને લઈને રસી આપવા ગયા હતા. ડોકટરે રસી મૂક્યા બાદ અમને કહ્યું કે તાવ આવે તો ગભરાતાં નહીં રાત્રે બાળકો સુઈ ગયા બાદ સવારે ઉઠ્યાં નહીં. ડોક્ટરે કહ્યું હતું કે, તાવ આવે તો ખાનગી દવાખાને જતાં નહીં. સવારે બાળકોને અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બાળકોને મૃત જાહેર કરાયા હતા. જ્યાં સુધી ફોરેન્સીક રિપોર્ટ અમને નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ.

            પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. બીજીબાજુ, આ મામલે કામરેજ મતવિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ કાયદેસરની જે કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે તેવુ આશ્વાસન આપ્યું હતું. હોસ્પિટલના તબીબોનું કહેવું હતું કે, સામાન્ય સંજોગોમાં જો રસીનું રિએક્શન આવવાનું હોય તો અડધા કલાકમાં આવી જાય છે અને ગઈકાલે અનેક બાળકોને આ રસી આપવામાં આવી હતી. રસી આપવામાં આવી તેના ૧૬ કલાક બાદ બાળકોનાં મોત થયા છે. અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. જો કે, બે જોડિયા બાળકોના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:46 pm IST)