પેટલાદના મહેળાવમાં પ્રેમ લગ્ન કરનાર સાળી અને તેના પતિ પર રીસ રાખીને જીવલેણ હુમલો: દંપતીને ઇજા પહોંચાડતા ફરિયાદ
પેટલાદ: તાલુકાના મહેળાવમાં રહેતાં એક ઈસમે લવમેરેજ કર્યાં હતાં. તેની પ્રેમીકા પત્નીની બહેન વડતાલમાં રહેતી હોઈ તે બીમાર પડતાં પત્નીના આગ્રહને વશ થઈ તેની ખબર કાઢવા પત્ની સાથે આવ્યાં હતાં. તે વખતે તેમના સાઢુભાઈ તેમજ પ્રેમીકા પત્નીના અગાઉના પતિના મોટાભાઈ અને તેના પુત્રએ લવ મેરેજની રીસ રાખી હુમલો કરી દંપતીને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ ચકલાસી પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના મહેળાવ ગાંજ્યાપુરામાં નરેશભાઈ મનુભાઈ ઠાકોર નામના યુવકે હીના નામની એક પરિણીત અને પતિથી છૂટી પડેલી યુવતિ સાથે લવ મેરેજ કર્યાં હતાં. હીનાની બહેન વર્ષાબેન વિજયભાઈ ઠાકોર (રહે.વડતાલ) બીમાર હોઈ તેની જાણ હીનાને થઈ હતી. એટલે તેણીએ બહેન વર્ષાની ખબર કાઢવા નરેશને જણાવતાં પતિ-પત્ની વર્ષાની ખબર કાઢવા ગતરોજ વડતાલ આવ્યાં હતાં. ખબર અંતર પૂછી મોડી સાંજે નરેશભાઈ અને તેમના પત્ની મહેળાવ જવા માટે પરત નીકળ્યાં હતાં. બંને જણાં વડતાલ ત્રણ દરવાજે પહોચ્યાં ત્યારે નરેશભાઈના સાઢુભાઈ વિજયભાઈ ઠાકોર તેમજ હીનાના અગાઉના પતિના મોટાભાઈ મનીષભાઈ પરષોત્તમભાઈ સોલંકી અને તેમનો પુત્ર નિમેષભાઈ મનીષભાઈ સોલંકી ત્યાં આવી ચડ્યાં હતાં. અને ગમેતેમ ગાળો બોલી ત્રણેય જણાંએ ભેગા મળી નરેશભાઈને લાકડાના ડંડાથી તેમજ ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. તે સમયે હીનાબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ત્રણેય ઈસમોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.