ગુજરાત
News of Thursday, 10th October 2019

આણંદમાં સ્ટેશન વિસ્તારમાં દુકાનની બહાર લારી-ગલ્લા ઉભા રાખવા માટે ગેરકાયદે ભાડે વસુલાતુ હોવાની ફરિયાદો

આણંદ: શહેરના સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગો ઉપર દુકાનની બહાર રસ્તા ઉપર લારી ઉભી રાખવા માટે ગેરકાયદેસર રીતે ભાડુ વસુલવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરના રાજમાર્ગોની આસપાસ છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણોની સમસ્યા વકરી છે ત્યારે તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા દબાણકર્તાઓને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. આ મામલે તંત્ર પારદર્શક કાર્યવાહી કરશે કે કેમ તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ચર્ચાતી વાતો અનુસાર તંત્રને મળતા નિયમિત હપ્તાને  કારણે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પણ આ મામલે આળસ દાખવી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલી લારીઓ ઉભી રહે છે. તેમજ દુકાનથી ૮ થી ૧૦ ફુટ લારી ઉભી રાખવાના પણ રોજના ૫૦ થી ૩૦૦ રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. એટલે કે સરકારી રસ્તા પર ઉભા રહેતા લારીવાળા પાસે કેટલાક દુકાનદારો ભાડુ વસુલીને કમાણી કરી રહ્યા છે ત્યારે તંત્ર માત્ર તમાશો જોઈને સંતોષ માની રહ્યું છે.

(5:52 pm IST)