ગુજરાત
News of Thursday, 10th October 2019

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન" રાખવામાં આવી, તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરનો દિવસ 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેતરીકે મનાવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા વર્ષ 1992માં 10 ઓક્ટોબરના દિવસને 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. દર વર્ષે આ દિવસ માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આ દિવસ મનાવવામાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થને મદદ કરે છે. આ વર્ષની થીમ ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શન એન્ડ યુનાઈટેડ ફોર ગ્લોબલ મેન્ટલ હેલ્થ રાખવામાં આવી છે.

દર વર્ષે ભારતમાં 8 લાખ લોકો આપઘાત કરે છે, જેનો અર્થ એવો થાય કે દર 40 સેકન્ડમાં એક વ્યક્તિ આપઘાત કરે છે. આ કારણે ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન" રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં વિશ્વની 17 ટકા વસતી વસે છે અને આપઘાત કરીને મરનારા લોકોની વિશ્વમાં સૌથી વધુ સંખ્યા ભારતમાં છે.

ભારતના માનસિક આરોગ્ય સંબંધિત કેટલાક આંકડા...

1. ભારતમાં દર વર્ષે લગભગ 2.2 લાખ લોકો આપઘાતના કારણે મૃત્યુ પામે છે.

2. ભારતમાં આપઘાત કરનારા લોકોની સરેરાશ વયજૂથ 13 થી 39 વર્ષ છે.

3. વિશ્વમાં સૌથી આપઘાત કરીને મારનારામાં સૌથી મોટી સંખ્યા મહિલાઓની છે. ભારતમાં 14.7 ટકા મહિલાઓ આપઘાત કરે છે, જે વિશ્વના એક તૃતિયાંશ છે.

4. ભારતની કુલ 135 કરોડની વસતીની સામે દેશમાં માત્ર 6,000 જ નોંધાયેલા સાઈક્યાટ્રિસ્ટ છે. જેનો અર્થ એવો થાય કે દર 2,25,000 વ્યક્તિએ માત્ર એક સાઈકિયાટ્રિસ્ટ ઉપલબ્ધ છે.

5. ભારતે વર્ષ 2015માં વિશ્વના અન્ય દેશોની સાથે સંયુક્ત રાષ્ટ્રના 2030 સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્ય હાંસલ કરવાનો નિર્ણય લીધો છે. માનસિક આરોગ્ય સંબંધિત સુવિધાઓ વધારવી એ ભારતનો મુખ્ય એજન્ડા છે.

6. દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતનો આપઘાતનો દર સૌથી ઊંચો છે.  

7. ભારતમાં સૌથી સમૃદ્ધ અને એડવાન્સ્ડ કહેવાતા મહારાષ્ટ્ર રાજ્યમાં આપઘાતનો દર સૌથી ઊંચો છે.

8. સ્વતંત્રતા સમયે ભારતની 40 કરોડની વસતીની સામે દેશમાં માનસિક આરોગ્ય સંસ્થાઓમાં 10,000 પથારીની સુવિધા હતી. આઝાદીના 70 વર્ષ પછી ભારતની વસતીમાં થયેલા વધારાની સામે પથારીની કુલ સંખ્યા 21000 થઈ છે. એટલે કે દર 5000 વ્યક્તિએ એક પથારી ઉપલબ્ધ છે.

9. ભારતમાં દર 1000 વ્યક્તિમાંથી 3 થી 10 વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડીત છે.

(4:45 pm IST)