ગુજરાત
News of Thursday, 10th October 2019

ધો.૬ થી ૮ના વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન વીડિયોથી શીખવા મળશે

પુસ્તકમાં રહેલા કયુઆર કોડને સ્કેન કરતા વીડિયો દેખાશે

અમદાવાદ, તા. ૧૦ : રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાનના પુસ્તકને ડિજિટલાઇઝડ કરવામાં આવ્યા છે. હવે આધુનિકીકરણના ભાગરૂપે શિક્ષણ વિભાગે આ પુસ્તક પર પહેલીવાર કયુઆર કોડ મૂકયો છે. જેને મોબાઇલમાં સ્કેન કરતા જ વિદ્યાર્થી પુસ્તકના પાઠ ઓડિયો કે વીડિયોમાં જોઇ કે સાંભળી શકાશે.

ઉદાહરણ તરીકે ગણિતના કોઇ એક ચેપ્ટરનો દાખલો જો કોઇ વિદ્યાર્થીને નહીં આવડતો હોય તો તે વિદ્યાર્થી તેની મુંઝવણ દૂર કરવા કયુઆર કોડથી સ્કેન કરીને જે તે દાખલો કેવી રીતે ગણવો તે પદ્ધતિ ઓડીઓ વીડીયો દ્વારા શીખી શકશે. તેવી જ રીતે વિજ્ઞાનમાં કોઇ વિદ્યાર્થીને પ્રયોગ નહીં આવડતો હોય તો તે કયુઆર કોડ સ્કેન કરીને વીડીયો જોઇને શીખી શકે છે.

આવતી કાલ ૧૧ ઓકટોબરથી અમદાવાદ સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં ધો. ૩ થી ૮ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થશે. આ વર્ષે પહેલી વાર શિક્ષણ વિભાગે ધો. ૩ થી ૮ માટે પરીક્ષાનો સમાન કાર્યક્રમ તૈયાર કર્યો છે. કોઇ સ્થાનિક રજા આવતી હશે તો શાળાએ રજા રદ કરવાની રહેશે. દર પાંચ પરીક્ષાખંડ સામે એક નિરીક્ષક રહેશે. એક શાળાની ઉત્તરવહી બીજી શાળામાં તપાસવામાં આવશે. ઉત્તરવહી મળ્યાના પાંચ જ દિવસમાં તપાસી જે તે શાળાને પહોંચાડવાની રહેશે. પરિણામ બન્યા પછી શાળાએ તરત ઓનલાઇન માર્કની એન્ટ્રી કરવાની રહેશે. ધો. ૩ થી ૮ના છાત્રોએ પ્રશ્નપત્રમાં અને ધો. પ થી ૮ ના છાત્રોએ ઉત્તરવહીમાં જવાબ લખવાનો રહેશે.

(3:56 pm IST)