ગુજરાત
News of Thursday, 10th October 2019

અમદાવાદનું જાણીતુ લો ગાર્ડન ખાણીપીણી બજાર હવે હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝાના નામથી ફરી ધમધમતુ થશે

વર્ષોથી ચાલતા જૂના ખાણીપીણી બજારને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અપાયો આધુનિક ટચ, બનાવી રહ્યા છે આંતર રાષ્ટ્રીય કક્ષાનું ફુડ પ્લાઝાઃ એક મહિના બાદ સ્વાદના રસિયાઓને અહીં ૪ર ફુડ વેનમાંથી મળશે મનલુભાવન ફુડ

અમદાવાદમાં લો ગાર્ડનના નવા હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝાની ઇમેજ.

અમદાવાદ તા. ૧૦ :.. ગુજરાતમાં આવેલા અમદાવાદનું જુનુ અને જાણીતું લો ગાર્ડન ખાણીપીણી બજાર હવે નવા રંગરૂપ સાથે હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝાના નામથી ફરી ધમધમતું થશે. વર્ષોથી ચાલતા આ જૂના ખાણીપીણી બજારને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આધુનિક ટચ આપી આંતર રાષ્ટ્રીય કક્ષાનું ફુડ પ્લાઝા બનાવી રહ્યા છે. અને એક મહિના બાદ સ્વાદના રસિયાઓને અહીંથી મનલુભાવન ફુડની લહેજત માણવા મળશે.

અમદાવાદમાં વર્ષોથી માણેકચોકનું રાત્રી ખાણીપીણી બજાર અને લો ગાર્ડનનું ખાણીપીણી બજાર સ્વાદના રસિયાઓમાં હોટ ફેવરિટ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડનની પાછળ આવેલા ખાણીપીણી બજારને રિનોવેટ કરીને વૈશ્વિક લેવલનું ફુડ પ્લાઝા બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝાનું કામ લગભગ પુરું થઇ ગયું છે અને આવતા મહિનાથી આ ફુડ પ્લાઝામાં ૪ર જેટલી ફુડવેનમાંથી સ્વાદના શોખીનોને અવનવા ફુડનો સ્વાદ માણવા મળશે.

મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આ હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં ૩૧ મોટી અને ૧૧ નાની ફુડવેન ઊભી રાખવાની જગ્યા ફાળવવામાં આવશે. આ ફુડ પ્લાઝા સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રાત્રે બે વાગ્યા સુધીમાં ફુડવેન માલિકે ફુડવેન જગ્યાએથી હટાવી લેવી પડશે. કોર્પોરેશન હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં ફુડવેન ઊભી રાખવા માટે ટેન્ડર બહાર પાડયા છે. ફુડવેનની જગ્યા માટેની મુદત ૩ વર્ષની રખાઇ છે. ૩૧ મોટી ફુડવેન માટે લઘુતમ માસિક પરવાના - લાઇસન્સ ફીની રકમ ૯૦ હજાર અને ૯ નાની ફુડવેન માટે ૩૦ હજાર તેમજ ર નાની ફુટવેન માટે ર૦ હજારની રકમ નકકી કરાઇ છે.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારી આર્જવ શાહે કહ્યું હતું કે, 'એક મહિના બાદ આ ફુડ પ્લાઝા શરૂ થશે.'

છેલ્લા થોડા સમયથી લો ગાર્ડનના નવા ફુડ પ્લાઝાનું નવીનીકરણ થઇ રહ્યું હતું અને હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે આવતા મહિનાથી અહીં ૩૧ મોટી અને ૧૧ નાની ફુડવેનમાંથી સાંજે ૬ થી મોડી રાત્રે ૧ વાગ્યા સુધી વિવિધ ફુડ પીરસાશે ત્યારે લો ગાર્ડનના આ ફુડ પ્લાઝાની રોનક ફરી પાછી આવશે.

(11:45 am IST)