ગુજરાત
News of Wednesday, 9th October 2019

આમોદ-સરભાણ રોડ પર કાર પલટી ખાતા ત્રણ યુવકના મોત

ગમખ્વાર અકસ્માતમાં અન્ય જણાં ઇજાગ્રસ્ત : માર્ગ અકસ્માતમાં કારનો ખુડદો બોલી ગયો : ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ, તા.૯ : ભરૂચ જિલ્લાના આમોદ-સરભાણ રોડ પર આવેલા રોધ ગામ પાસે આજે વહેલી સવારે કાર પલટી જતા ત્રણ યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે આ અક્સ્માતમાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોના ટોળેટાળા ત્યાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બીજીબાજુ, સ્થાનિક પોલીસ પણ અકસ્માતની ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી.         અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકોમાં મુખ્તાર અબ્બાસઅલી સૈયદ, મહંમદ સાદીક શેખ, નીતિન સુરેશ સરીતાનો સમાવેશ થાય છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આમોદ-સરભાણ રોડ પર જઇ રહેલી કારના ચાલકે અચાનક જ કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી ગઇ હતી.

           કારની સ્પીડ વધુ હોવાના કારણે અકસ્માતમાં કારનો ખુડદો બોલી ગયો હતો અને અંદર બેઠેલા લોકો પૈકી ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. ઘટનાને પગલે આસપાસના વાહનચાલકો અને સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થઇ ગયા હતા. તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી અકસ્માતમાં ઇજા પામનાર ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:02 pm IST)