ગુજરાત
News of Wednesday, 9th October 2019

દશેરાથી દિવાળી વેકેશનમાં ફરવા જવાની ઇન્કવાયરી શરૃઃ રાજસ્થાન-ગોવા ફેવરિટ

ટુરિસ્ટોને મંદી નડીઃ લોકો ૩-૪ દિવસના પ્રવાસનું આયોજન કરવા લાગ્યા

અમદાવાદ તા. ૯: હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ-અમદાવાદીઓએ નવરાત્રી પુરી થતાં જ દશેરાથી જ દિવાળીમાં કયાં ફરવા જવું તેની ઇન્કવારી શરૂ કરી દીધી છે. શહેરના ટુર ઓપરેટરોના મતે હવે વીસેક દિવસ બુકિંગ અને ઇન્કવારીયનો ધસારો રહેશે. જોકે, આ વર્ષ ટુરિઝમમાં પણ મંદીની અસર વર્તાઇ છે અને લોકો પૈસા અને સમય બચાવવા હવે લાંબા પ્રવાસને બદલે ત્રણ-ચાર દિવસના ટૂંકા પ્રવાસ માટે પુછપરછ કરી રહ્યા છે. લાંબા પ્રવાસની ઇન્કવાયરી અને બુકિંગ ઘટી રહ્યા હોવાનું સ્થાનીક ટુર ઓપરેટરો કહી રહ્યા છે. આ વર્ષે દિવાળીના વેકેશનમાં ગોવા અને રાજસ્થાન માટે ખુબજ સારૃં એવું બુકિંગ છ.ે પરિવાર સાથે કેરળ અને દક્ષિણ ભારતના પ્રવાસ માટે પણ લોકોનો રસ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવે અમદાવાદીઓ દુબઇ, થાઇલેન્ડ, શ્રીલંકા તથા ભુટાન જેવા નજીકના દેશોમાં પણ ફરવા જવા માટેનો ટ્રેન્ડ શરૂ થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી મંદીને કારણે પ્રવાસન ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. લોકોએ પ્રવાસનું બજેટ ઘટાડી દીધું છે. થોડા વર્ષો પહેલા નવરાત્રીની શરૂઆતથી જ લોકો દિવાી વેકેશનમાં ફરવા જવાનું પ્લાનીંગ કરતા હતા અને ઇન્કવારી શરૂ થઇ જતાં ટુર ઓપરેટરો વ્યસ્ત થઇ જતાં હતા, પરંતુ બે-ચાર વર્ષથી મંદીને કારણે દશેરા બાદ જ દિવાળી વેકેશન માટેની ઇન્કવાયરી શરૂ થાય છે. એમ સ્થાનિક ટુર ઓપરેટરોનું કહેવું છે.

ટુર ઓપરેટર ભાવિનભાઇના જણાવ્યા મુજબ ખાસ કરીને ૩-૪ દિવસની ટુર માટેની વધુ ઈન્કવાયરી આવે છે. લોકો માટે હજુ પણ રાજસ્થાન અને ગોવા હોટ ફેવરીટ ડેસ્ટિનેશન છે. ત્યારબાદ કેરળ, શિમલા, કુલ્લુ-મનાલી અને દક્ષિણ ભારત જવાનું લોકો પસંદ કરેલ છે થોડા વર્ષોની નવ ડેસ્ટિનેશન તરીકે પૂર્વોત્તર રાજયોના પર્યટન સ્થળોની પણ લોકો પસંદગી કરી રહ્યા છે.

અન્ય એક ઓપરેટર ગુણવંતભાઇ ઠક્કર કહે છે કે, કાશ્મીરનું વાતાવરણ જોતા કાશ્મીર માટે કોઇ જ ઇન્કવાયરી નથી તેના બદલે લોકો લેહ-લદ્દાખ ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.

બીજી તરફ હવે લોકો પોતાના બજેટમાં વિદેશની સસ્તી ટુર માટે દુબઇ, થાઇલેન્ડ, શ્રીલંકા અને ભુટાન માટે પણ ખાસ્સી ઇન્કવાયરી કરી રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

(11:33 am IST)