ગુજરાત
News of Wednesday, 9th October 2019

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ કાર્યક્રમ : ભૂમિપૂજનવિધિ

શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજાયાઃ શોભાયાત્રામાં બગીમાં યજમાનો, વાહનો ઉપર યુવતીઓ અને માથે જવેરા સાથે કુંભ ઘડો મૂકેલી મહિલાઓ જોડાઈ

અમદાવાદ, તા.૮: આજે વિજયાદશમીએ ઊંઝા ખાતે મા ઉમિયાના સાનિધ્યમાં લક્ષચંડી મહાયજ્ઞને અનુલક્ષીને ભૂમિપૂજન અને વિજય સ્થંભ આરોહણ સમારોહ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ઉપલક્ષમાં મા ઉમિયાના નિજ મંદિરેથી આજે સવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં બગીમાં બિરાજમાન મહાયજ્ઞના તમામ મુખ્ય પાટલાના યજમાનો, દ્વિચક્રી વાહનો પર સવાર યુવતીઓ, માથે જવેરા સાથેનો કુંભ ઘડો મૂકેલી મહિલાઓ તેમજ પાટીદાર સમાજના અનેક શ્રેષ્ઠીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. શોભાયાત્રા સ્વરૂપે ઉમિયા બાગ પહોંચ્યા બાદ મુખ્ય યજમાન ગોવિંદ પટેલ (સન હાર્ટ ગ્રુપ) ની ઉપસ્થિતિમાં સિદ્ધિ ગ્રુપના મુકેશ પટેલ (ખોરજવાળા)ના હસ્તે પાઠશાળાનું ભૂમિપૂજન તેમજ ડાહ્યા પટેલ (દેવગઢવાળા) ના હસ્તે પાઠશાળા વિજય સ્થંભનું આરોહણ મહાયજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી રાજેશ શુકલના મુખેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. ઉમિયા નગર ખાતે લલિત પટેલ (અમદાવાદ) દ્વારા યજ્ઞશાળા ભૂમિપૂજન તેમજ રૂખીબેન પટેલ (રૂસાત) દ્વારા યજ્ઞશાળા વિજય સ્થંભ આરોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જેમાં આસ્થાની અભિવ્યક્તિના અવસર એવા મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ ૨૦૧૯ ની સફળતા માટે મોટી સંખ્યામાં હાજર એવા યજમાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનોએ મા ઉમિયા સમક્ષ નમ્ર અરજ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઉમિયા માતાના જયઘોષ અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

(9:53 pm IST)