ગુજરાત
News of Wednesday, 9th October 2019

દિયોદરમાં દુકાનોમાંથી કપડાં ધોવાના સોડાથી બનાવેલો 14 કિલો ફાફડાનો જથ્થો ઝડપાયો

દિયોદર, ભીલડી અને પાલનપુરથી જલેબી અને ફાફડાના સેમ્પલ લેવાયાં

બનાસકાંઠા ફૂડ વિભાગે કપડા ધોવાના સોડાથી ફાફડા બનાવતા દિયોદરમાં 3 નાસ્તા ગૃહોમાંથી 14 કિલો ફાફડાનો નાશ કર્યો છે. ઉપરાંત દિયોદર, ભીલડી અને પાલનપુરથી જલેબી અને ફાફડાના સેમ્પલ લેવાયાં હતા.

   ફૂડ વિભાગે દિયોદરમાં ફાફડાના જુદા જુદા સેન્ટર પર તપાસ કરતા ત્યાં કપડાં ધોવાના સોડાથી ફાફડા બન્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં સાંઇરામ નાસ્તા હાઉસ, બકુલ નાસ્તા હાઉસ અને મહાકાળી સ્વીટ વેચાતા ફાફડાનો 14 કિલો જથ્થો ફૂડ વિભાગ દ્વારા ફેંકી દેવાયો હતો. આ ત્રણેય નાસ્તા હાઉસના સંચાલકો દ્વારા કપડાં ધોવાના સાબુથી ફાફડા બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

    આ ઉપરાંત ફૂડ વિભાગે નાસ્તા સેન્ટર્સ પર ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લીધા હતા જેમાં દિયોદરમાં બકુલ નાસ્તા હાઉસ, મહાકાલી સ્વીટ નમકીન, ભીલડી માં આવેલી આશાપુરા માવા ભંડાર, પાલનપુરમાં આવેલી આશાપુરા માવા ભંડાર, સરદાર સ્વીટ અને સુખડિયા બ્રધર્સમાથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા હતા.

  ફુડ વિભાગના અધિકારી ડી.જી.ગામીતે જણાવ્યું હતું કે "દિયોદરમાં ત્રણ જગ્યાએથી ફાફડાનો જથ્થો મળ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો છે. "દર વર્ષે શહેરમા 100 થી 150 સ્ટોલોમાં ફાફડા-જલેબીનું વેચાણ થતુ હતું. જેની સામે આ વર્ષે 30 થી 35 સ્ટોલોમા જ ફાફડા-જલેબીનુ વેચાણ થઇ રહ્યુ છે. ગત વર્ષે કિલો ફાફડાના રૂ.300 હતા. જ્યારે કિલો જલેબીના રૂ.200 હતા. જે ભાવ યથાવત છે.'

(9:47 pm IST)