ગુજરાત
News of Tuesday, 10th September 2019

નડિયાદ-મંજીપુરા રોડ પર બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 75 હજારની મતાની તફડંચી કરતા પોલીસ ફરિયાદ

નડિયાદ: નડિયાદ-મંજીપુરા રોડ પર આવેલી એક સોસાયટીમાં નોકરી કરતું દંપતી નોકરી પર ગયાં અને બાળકો શાળામાં ભણવા ગયાં તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ ૭૫ હજારની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં મંજીપુરા રોડ પર રેલવે લાઈન સામે આવેલ નારાયણનગર સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રભાઈ આશાભાઈ મકવાણા ડાકોરમાં સબ ઓડિટર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની દિનાબેન નડિયાદ તાલુકાના માંઘરોલી પ્રાથમિક શાળામાં શિિક્ષકા તરીકે નોકરી કરે છે. ગત શુક્રવારના રોજ સવારના સમયે ધર્મેન્દ્રભાઈ તેમના બે પુત્રોને બાઈક પર શાળાએ મુકવા ગયાં હતાં. અને ત્યાંથી બારોબાર તે નોકરી પર જવા નીકળી ગયાં હતાં. દરમિયાન પત્ની દિનાબેન ઘરને તાળુ મારી નોકરીએ ગયાં હતાં. સાંજે તેમનો પુત્ર શાળાએથી છુટી ઘરે પરત આવ્યો તે વખતે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હતો. જેથી તાત્કાલિક તેના પિતા ધર્મેન્દ્રભાઈને જાણ કરી હતી. જેથી તેઓ પોતાના ઘરે દોડી આવ્યાં હતાં. અને ઘરમાં જોતાં માલ-સામાન વેર વિખેર હાલતમાં હતો. બેડરૂમની તિજોરીનું લોક પણ તુટેલી હાલતમાં હતું. તે ખોલીને જોતાં તેમાંથી સોનાની વીંટી, બુટ્ટી, ચેન, ચાંદીના ઝાંઝર, ઝુડા, લકી, ચુડીઓ સહિતના દાગીના તેમજ ૪૦ હજાર રૂપિયા રોકડા મળી કુલ રૂ.૭૪,૬૦૦ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું

(6:02 pm IST)