ગુજરાત
News of Tuesday, 10th September 2019

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગના દંડની રકમ ૩૦ થી ૪૦ ટકા ઘટાડાશે

નવા કાયદાનો પ્રભાવ રહે અને લોકોને ત્રાસ પણ ન થઇ જાય તેવો અભિગમ અપનાવતા મુખ્યમંત્રી રૂપાણી : સ્થળ પરના દંડની રકમમાં રાહત, કોર્ટમાં થતા દંડની જોગવાઇ યથાવત : આજે સાંજે રાજય સરકાર દ્વારા જાહેરાત

રાજકોટ તા.૧૦: કેન્દ્ર સરકારે ટ્રા ફિક સંબંધે નવા બહાર પાડેલા નીતિ નિયમોમાં ફેરફાર સાથે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડવાનુ નક્કી કર્યુ છે. નવી જોગવાઇ મુજબના વાહન ચાલકો માટેના દંડની રકમમાં સરેરાંશ ૩૦ થી ૪૦ ટકા ઘટાડો થાય તેવા નિર્દેષ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ૪ વાગ્યે તેની સત્તાવાર જાહેરાત કરે તેવા સંકેત  છે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા સ્થળ પર વસુલાતા દંડની નવી જોગવાઇ મુજબની રકમમાં નોંધપાત્ર ઘટાડો જાહેર થશે. ટ્રાફિકના કેસ કોર્ટમાં ચાલે તેના દંડની રકમની જોગવાઇમાં ફેરફાર કરવાની રાજ્ય સરકારને સત્તા નથી. ટ્રાફિકના નવા કાયદાનો અસરકારક અમલ થાય અને વાહન ચાલકોમાં રાડ ન બોલી જાય તેવા ઉકેલ તરફ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.

લાયસન્સ વગર કે હેલ્મેટ વગર વાહન ચલાવવુ, વન વેમાં ચલાવવુ, વધુ પડતી ઝડપે ચલાવવુ નશો કરીને વાહન ચલાવવુ વગેરે બાબતે કેન્દ્રએ આકરા દંડની જોગવાઇ કરી છે. તેમાં રાજ્ય સરકાર પોતાના અધિકારોનો ઉપયોગ કરીને સરેરાંશ ૩૦ થી ૪૦ ટકા રાહત આપવા માંગે છે.

જાણવા મળ્યા મુજબ  ટ્રાફિકના નવા નિયમ મુજબ ગિયરવાળી ગાડી ચપ્પલ કે સ્લીપર પહેરીને ચલાવાવથી અકસ્માતની શકયતા વધી જાય છે. આ ગુન્હામાં રૂ. ૧ હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ગાડી વધુ પડતી ઝડપથી ચલાવવા માટે રૂ. ૧ થી ર હજારનો દંડ થવા પાત્ર  છે. લાયસન્સ વગર વાહન ચલાવવાનો દંડ રૂ. પ૦૦ના બદલે પ૦૦૦ અને હેલ્મેટ વગર વાહન ચલાવવાનો દંડ રૂ. ૧૦૦ના બદલે ૧૦૦૦ કરાયો છે. સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો નવા નિયમ મુજબ રૂ. ૧૦૦ ના બદલે ૧૦૦૦ નો દંડ લાગુ પડી શકે છે. નશો કરીને વાહન ચલાવવા માટે હાલના કાયદા મુજબ રૂ. ર હજાર દંડ થઇ શકે છે. નવા કાયદામાં રૂ. ૧૦ થી ૧પ હજારનો દંડ વસુલવાની જોગવાઇ છે. રાજય સરકાર કઇ જોગવાઇમાં કેટલી રાહત આપે છે  તે જાણવા માટે સાંજ સુધી રાહ જોવી પડશે. (૧૭.૬)

(11:30 am IST)