ગુજરાત
News of Monday, 10th September 2018

ચકચારભર્યા બીટકોઇન કેસમાં અંતે કોટડિયાની ધરપકડ કરાઇ

નાસતા ફરતા કોટડિયા ધૂલિયામાંથી ઝડપાયા : હવે બીટકોઇન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો ખુલવાની વકી :કોટડિયા મોટા માથાનો પણ ખુલાસો કરે તેવી ચર્ચા

અમદાવાદ, તા.૯ :  શહેર સહતિ રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનાર બીટકોઈન કૌભાંડમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મહારાષ્ટ્રના ધૂલિયામાં અમ્લનેરથી ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા એવા કોટડિયાની ધરપકડ થતાં રાજકારણમાં પણ તેની ભારે ચર્ચા શરૂ થઇ હતી. બીટકોઇન કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા નલિન કોટડિયા વિદેશ ભાગી જાય તેવી દહેશત સીઆઈડી ક્રાઈમે વ્યક્ત કરી હોવાથી કોટડીયા સામે લુક આઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. જો કે, નલિન કોટડિયાની ધરપકડ થતાં શહેર ક્રાઇમબ્રાંચને બીટકોઇન કેસમાં મહત્વની સફળતા મળી છે અને હવે બીટકોઇન કૌભાંડમાં ચોંકાવનારી વિગતો ખુલવાની શકયતા છે. ચકચારભર્યા બીટકોઇન કૌભાંડમાં નાસતા ફરતા નલિન કોટડીયાએ છેલ્લે ૪થો પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, જો મને અથવા તો મારા પરિવારને કંઈ થશે તો તેની જવાબદારી શૈલેષ ભટ્ટની રહેશે. આ સિવાય આ પત્રમાં ૨૪૦ કરોડના કૌભાંડમાં કેટલાક રાજકીય નેતાઓ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોટડિયાએ ઉલ્લેખ કર્યો હતો કે, સમય આવશે ત્યારે રાજકીય નેતાઓના નામ પણ આપીશ. તેમજ જો આટલા પુરાવા અને સાબિતીઓ હોવા છતાં જો તપાસ નહીં થાય તો હું અને મારો પરિવાર ન્યાય માટે ઉપવાસ પર ઉતરીશ. ઉલ્લેખનીય છે કે, ગત મે મહિનામાં સતત ત્રણ દિવસ સુધી ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાએ તપાસનીશ એજન્સીને પત્રો લખ્યા હતા. કોટડીયાએ સીઆઈડી ક્રાઈમને લખેલા પત્રમાં લખ્યુ હતું કે, રૂ.૧૨ કરોડના બીટકોઈન કૌભાંડમાં ફરિયાદીએ મારા પર લગાવેલા આરોપ બાબતે મારો જવાબ લેવા આપ તરફથી મને જાણ કરવાના સમાચાર મને મીડિયા દ્વારા મળ્યા છે. હું મારા અંગત અને જરૂરી કામ માટે રાજ્ય બહાર હોવાથી અને ૧૧-૫-૨૦૧૮ના રોજ પરત ફરતો હોવાથી મને મુદ્દત આપશો. હું તારીખ ૧૧ અને ૧૨ મેના રોજ ગાંધીનગર ખાતે આપની કચેરીએ જવાબ આપવા જાતે ઉપસ્થિત રહીશ, કારણ કે આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મને જે રકમ મળી છે, તે જમીન વેચાણની મળી છે. આથી મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવો જરૂરી છે. મારે હાજર ન રહેવાનું કોઈ કારણ નથી. આથી નિયમાનુસાર મને ત્રીજું સમન્સ બજે અને ૨૪ કલાક નહીં પરંતુ ૪ દિવસની મુદ્દત આપશો. વેકેશનના કારણે ટ્રેન કે બસમાં પણ ટીકીટ મળી શકે તેમ ન હોય અને કામકાજ હોવાથી મને મુદ્દત આપશો. જો હું ન આવું તો નિયમાનુસાર જે કોઈ કાર્યવાહી થતી હોય તે કરી શકો છો. જો કે, આટઆટલા પત્રો લખ્યા બાદ અને ખુદ કોટડિયાએ બાંહેધરી આપ્યા બાદ પણ તપાસનીશ એજન્સી સમક્ષ તેઓ હાજર નહી રહેતાં છેવટે સીઆઇડી ક્રાઇમે કોર્ટમાં અરજી કરી તેમને ભાગેડુ જાહેર કરાવ્યા હતા અને તેમની મિલ્કત જપ્તીની તજવીજ પણ હાથ ધરી હતી. બીજીબાજુ, કોટડિયાને પકડવા માટે પોલીસે સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદ સહિતના સ્થળોએ અને અન્ય રાજયોમાં પણ દરોડા અને તપાસનો દોર ચલાવ્યો હતો. જેમાં ક્રાઇમબ્રાંચને બાતમીના આધારે મહારાષ્ટ્રના ધૂલિયાની જાણકારી બાતમી મળતાં બહુ સિફતતાપૂર્વક આખરે નલિન કોટડિયાને ત્યાંથી ધરપકડ કરી લેવાયા હતા. તેમને અહીં લાવવાની તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, બીટકોઇન કેસમાં પોતાને નિર્દોષ કહેનાર નલિન કોટડિયાએ રાજકોટમાં ખરીદેલી જમીનના રૂ.૨૫ લાખ આંગડિયા મારફતે નાનકુ આહિરને મોકલાવ્યા હતાં. આ રૂપિયા સીઆઇડી ક્રાઇમે રાજકોટમાંથી નાનકુ પાસેથી કબ્જે કર્યા હતા અને આહિરને ડિટેઇન કરી પૂછપરછ કરી હતી. આ કેસમાં રિમાન્ડ પર રહેલા કિરીટ પાલડિયાની તપાસમાં શૈલેષ પાસેથી પડાવેલા બીટકોઇનમાંથી પોલીસ અધિકારીઓ સહિત નલિન કોટડિયાને રૂપિયા ચૂકવાયા હતાં. કોટડિયા પોતાનો મોબાઇલ ફોન ઘરે મૂકી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પરંતુ અંતે આબાદ ઝડપાયા હતા.

(7:30 pm IST)