ગુજરાત
News of Wednesday, 10th August 2022

સુરત કાપડ માર્કેટમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી : માર્કેટનો માહોલ દેશભક્તિમય બન્યો

દેશભક્તિનાં ગીતો સાથે રેલીમાં વેપારી, શ્રમિકો સહિત તમામ લોકો જોડાયા : તમામ માર્કેટની આગળ વેપારીઓએ ઊભા રહી રેલીને આવકારી

સુરત તા.10 :  સુરત : દેશભક્તિ, એકતા અને ભાઈચારાના સંદેશા સાથે રિંગ-રોડ કાપડ માર્કેટમાં બુધવારે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. યાત્રામાં વિવિધ ઝાંખીઓનું ભવ્ય પ્રદર્શન જોવા માટે લોકોની ભીડ મોટી સંખ્યામાં રિંગરોડ કાપડ માર્કેટક વિસ્તારમાં ઉમટી પડી હતી. આ દરમિયાન કાપડ માર્કેટ વિસ્તારમાં દેશભક્તિના ગીતો ગૂંજી ઉઠ્યા હતા. રેલી જે માર્કેટ સામેથી પસાર થતી હતી તે માર્કેટમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવને પગલે સુરત માર્કેટ વિસ્તારમાં સાકેત ગ્રુપ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. બુધવારે સાંજે સુરત ટેક્સટાઇલ માર્કેટથી શરુ થયેલી રેલીમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટના વેપારી, કર્મચારીઓ, મહિલાઓ, યુવાઓ સહિત તમામ વર્ગના લોકો જોડાયા હતા. રેલી સુરત ટેક્સટાઇલ માર્કેટથી શરુ થઇ કિન્નરી ટોકિઝ પહોંચી હતી, અને ત્યાર બાદ સહારા દરવાજા થી ફરીને મિલેનિયમ માર્કેટ પહોંચી હતી. આ દરમિયાન હજારો લોકોના હાથોમાં તિરંગા હતા. બાળ કલાકારો દ્વારા પણ અલગ-અલગ હુનર બતાવ્યા હતા.રેલીમાં કિન્નરો પણ જોડાયા હતા. બુલેટ ગાડી, રથ અને ગાડિયો સાથેના કાફિલામાં અલગ-અલગ સંગઠનના લોકો પણ સ્વૈચ્છિક જોડાયા હતા. લાઇવ રામાયણ અને દેશભક્તિ સહિતના વિવિધ કાર્યક્રમોને લીધે સમગ્ર કાપડ માર્કેટનો માહોલ દેશભક્તિમય બની ગયો હતો. 4 કિલોમીટર સધીની તિરંગાયાત્રામાં રેલીમાં શામેલ લોકોની સેવા માટે કેટલીક માર્કેટોની બહાર પીવાના પાણી માટેની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રેલીમાં વેપારીઓ સહિત પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતા પાટિલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.

 

 

(11:11 pm IST)