ગુજરાત
News of Wednesday, 10th August 2022

સુરતના કતારગામ વિસ્તારમાં વૃદ્ધ સુપરવાઇઝરના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.79 લાખની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

સુરત: સુરતના કતારગામ  વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 માં રહેતા અને ધોળકીયા ગાર્ડનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા વૃદ્ધના બંધ ઘરનું તાળું તોડી ચોર ગત રવિવારે સાંજે સોના-ચાંદીના દાગીના, રોકડ, ટી.વી. મળી રૂ.1.79 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાના વિસનગરના ભાલક ગામના વતની અને સુરતમાં કતારગામ  વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 શેષકૃપા ફ્લેટ્સ ફ્લેટ નં.201 માં રહેતા 65 વર્ષીય ભોગીલાલભાઈ બબલદાસ નાયક કતારગામ ધોળકીયા ગાર્ડન ખાતે સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેમના પત્ની હંસાબેન ( ઉ.વ.55 ) ઘરકામ કરે છે જયારે 30 વર્ષીય અપરણિત પુત્ર સતીષ લક્ષ્મી ડાયમંડમાં નોકરી કરે છે. ગત રવિવારે સવારે 7.45 કલાકે ભોગીલાલભાઈ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા. જયારે તેમના પત્ની અને પુત્રને રજા હોય તેઓ ઘરે જ હતા. સાંજે ચાર વાગ્યે સતીષ માતાને લઈ શાકભાજી લેવા સિંગણપોર માર્કેટ ગયો હતો અને ત્યાંથી તેઓ વરાછા ઉમિયા માતાના મંદિરે દર્શન કરી 5.30 વાગ્યે ઘરે પહોંચ્યા હતા. માતાને ફ્લેટની નીચે ઉતારી સતીષ ઢોસાવાળાને ત્યાં જવાનું કહી નીકળ્યો હતો અને સાંજે 6 વાગ્યે પિતાની પાસે પહોંચી તેમની સાથે વાત કરતો હતો ત્યારે જ ઘરેથી હંસાબેને ફોન કરી ચોરી થયાની જાણ કરતા તેઓ ઘરે દોડી ગયા હતા. તેમની ગેરહાજરીમાં ત્રાટકેલા ચોરે બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી કે ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશ્યા બાદ બેડરૂમમાં મુકેલા લોખંડના કબાટનું લોક તોડી અંદર તિજોરીનું પણ લોક તોડી 25 ગ્રામ સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના, રોકડા રૂ.10 હજાર અને હોલમાંથી ટી.વી. મળી કુલ રૂ.1,79,500 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે ભોગીલાલભાઈએ ચોકબજાર પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)