ઘડુલીમાં યુવાને સાસરિયાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
યુવાનના પિતાએ આઠ આરોપીઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ : પોલીસે ગુનો નોંધી IPC 306 સહિતની કલમો હેઠળ તપાસ હાથ ધરી
ઘડુલી તા.09 : લખપતમાં સાસરિયાના ત્રાસથી વધુ એક યુવાને જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘડુલી વિસ્તારમાં યુવકે પત્ની સહિત સાસરિયાઓ દ્વારા ત્રાસ અપાતો હતો. યુવાને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગુનેરીની સીમમાં જઇને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, જે મામલે યુવકના પિતાએ સામા પક્ષના 8 આરોપી સામે દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ઘડુલીના કાંતિલાલ કોલીએ દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પુત્ર લક્ષ્મણ કોલી (ઉ.વ.22)ને આરોપી શાંતાબેન હરજી કોલી, લક્ષ્મીબેન લક્ષ્મણ કોલી, રેખા હરજી કોલી, હિતેશ હરજી કોલી, પ્રકાશ હરજી કોલી, ખીમજી સુમાર કોલી, કાંતિ સુમાર કોલી સહિતનાઓએ માનસિક ત્રાસ આપી રહ્યા હતા. છેલ્લા 20 દિવસથી ત્રાસ આપતા હોવાથી આખરે લક્ષ્મણે કંટાળી જઇને ગુનેરીની સીમમાં જઇને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, જે અંગેની જાણ દયાપર પોલીસને તા.8-8-22ના સવારે 8.30 વાગ્યાના અરસામાં થઇ હતી, તે અંગે લક્ષ્મણના પિતા કાંતિભાઇએ દયાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે આઇપીસી 306 સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.