ગુજરાત
News of Friday, 10th August 2018

ખાસ યોજના જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

સરકારની યોજનાઓનું વાઘાણી દ્વારા સ્વાગતઃ હવે એસસી-એસટી તથા ઓબીસીને મળતા લાભો તેમજ જોગવાઈઓ યથાવત રાખી દરેક સમાજને પ્રગતિની તકો

અમદાવાદ,તા.૧૦: ગુજરાતમાં બિન અનામત વર્ગની જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય તેમજ સ્વરોજગારી માટેની અનેક યોજનાઓની આજે ગુજરાત ભાજપા સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક સહાય અને સ્વરોજગાર માટે આર્થિક સહાયની યોજના જાહેર કરનાર ગુજરાત દેશમાં સૌ પ્રથમ રાજ્ય બન્યુ છે. એસ.સી., એસ.ટી. તથા ઓબીસીને મળતા લાભો અને તેની બંધારણીય જોગવાઇઓને યથાવત રાખી દરેક સમાજ વધુ પ્રગતિ કરી શકે અને સામાજીક સમરસતા જળવાઇ રહે તે હેતુથી ગુજરાતમાં બિન અનામત વર્ગ આર્થિક વિકાસ નિગમ અને આયોગની સ્થાપના કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બિન અનામત વર્ગની જ્ઞાતિઓ માટે લાભદાયી યોજના બનાવવામાં જેમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તેવા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો ગુજરાતની જનતા વતી આભાર માની હદયપૂર્વક અભિનંદન આપુ છું. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, જેને બંધારણીય અનામતનો લાભ નથી મળ્યો તેવી તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે આગળ વધવા માટે આ યોજનાથી ઘણી મોટી તકો પ્રાપ્ત થશે. મેડીકલ, ડેન્ટલ, વ્યવસાયિક એવા અનેક શૈક્ષણિક અભ્યાસ ક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી આપવાની, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓને લોન આપવાની, છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિધ્યાર્થીઓના ભોજનબીલમાં સહાય આપવાની, ટ્યુશન ફી આપવાની, જેઇઇ, નીટ, ગુજકેટ જેવી અનેક પરીક્ષાઓના કોચીંગ માટે આર્થિક સહાય જેવી અનેક જોગવાઇઓનો આ યોજનામાં સમાવેશ થયેલ છે. ઉપરાંત આ વર્ગોને સ્વરોજગારી મળે તે માટે લોન આપવાની તેમજ યુવાનોને ધંધો રોજગાર ચાલુ કરવા, હોસ્પીટલ બનાવવા, ઓફીસ બનાવવા માટે કે નાના વ્યવસાય માટે દુકાન વગેરે બનાવવા માટે ઓછા વ્યાજની લોન સહાય આપીને સ્વરોજગારી આપવાની જોગવાઇ પણ આ યોજનામાં સામેલ છે. જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, કોંગ્રેસના મળતીયાઓ ઓબીસી અનામતમાંથી બિન અનામત વર્ગોને અનામત આપવાની વાત કરી રહ્યા હતા. તો કોંગ્રેસ સ્પષ્ટતા કરે કે આ વાતને તે સમર્થન આપે છે કે કેમ ? સાથે એ પણ ખુલાસો કરે કે, કોંગ્રેસશાસિત રાજ્યોમાં બિન અનામત વર્ગો માટે આવી કોઇ યોજનાઓને અમલમાં મુકી છે કે કેમ ? કોંગ્રેસ અને તેના મળતીયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જ્ઞાતિજાતિ વચ્ચે ઝગડાઓ કરાવ્યા, અનામતના નામે તોફાનો કરાવ્યા. હજુ પણ તેને જેટલા કુદકા મારવા હોય તેટલા કુદકા મારે પરંતુ અમને તેનો કોઇ ડર નથી કારણ કે, ગુજરાતની તમામ જ્ઞાતિજાતિના લોકોના આશીર્વાદ અમારી સાથે છે. ભાજપા હંમેશા સત્યના માર્ગે ચાલે છે અને સત્યનો જ હંમેશા વિજય થાય છે. માત્રને માત્ર વોટબેંકની રાજનીતિ કરનારી કોંગ્રેસને દેશ અને ગુજરાતની જનતા ઓળખી ગઇ છે. ભાજપા સરકાર સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે કામ કરી રહી છે તેથી જ ગુજરાતની જનતાએ સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપા પર ભરોસો મુક્યો છે.વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજનાને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હજારો વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે. ત્યારે બિન અનામત વર્ગની તમામ જ્ઞાતિઓ માટે આજે જાહેર કરવામાં આવેલી યોજનાઓ દ્વારા ગુજરાતના યુવાનોમાં શૈક્ષણિક અને સ્વરોજગારી ક્ષેત્રે નવી તકો ઉભી થશે, તેનાથી ગુજરાત રાજ્ય પ્રગતીના ઉંચા શિખરો સર કરશે તેવી મને શ્રધ્ધા છે.

(9:48 pm IST)