ગુજરાત
News of Friday, 10th August 2018

નાસિકથી અમદાવાદ જતી બસમાંથી કન્ડકટરે સંતાડેલ 12 નંગ બિયરની બોટલ મળી આવી

સુરત: જિલ્લાના બારડોલી એસ.ટી. ડેપો ખાતે નાસિકથી અમદાવાદ જતી એસ.ટી. બસનું અધિકારીઓએ ચેકીંગ કરતા બસ ડ્રાઇવરની કેબીનના પાછળના ભાગે છાજલીમાંથી ૧૨ બિયરની બોટલ (ટીન) મળતા પોલીસે કન્ડકટરની ધરપકડ કરી હતી. ગતરાત્રિના એક વાગે એસ.ટી. ડેપોના અધિકારીઓએ બારડોલી એસ.ટી. ડેપો ખાતે ચેકીંગ શરૂ કર્યું હતું. તે સમયે નાસિકથી અમદાવાદ જતી એસ.ટી. બસ (નં. જીજે-૧૮-ઝેડ- ૧૭૮૭) આવતા અધિકારીઓએ નિયમ મુજબ ચેકીંગ શરૂ કર્યું હતું. ત્યારે બસની અંદર ડ્રાઇવર કેબીનની પાછળના ભાગે ઉપરની છાજલીમાંથી એક કાપડની બેગમાં ૧૨ નંગ બિયરની બોટલ (ટીન) મળી આવ્યા હતા. અધિકારીઓની તપાસમાં બિયરની બોટલો બસના કન્ડકટર શેરસિંહ હરીચંદ્ર કટારા (ઉ.વ. ૩૮, રહે. આકાશદર્શન કોલોનીભાઇકાકાનગર, થલતેજ, અમદાવાદ)ની હોવાનું જણાતા એટીઆઇ અધિકારી પુનિત ચૌધરીએ બારડોલી પોલીસમાં કન્ડકટર શેરસિંહ કટારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:06 pm IST)