સુરતના કતારગામમાં ફ્લેટમાંથી યુવાન મહિલાની ગળે ટૂંપો દીધેલ હાલતમાં લાશ મળી આવતા તપાસ શરૂ
સુરત:કતારગામ રણછોડ પાર્ક-૨ સ્થિત બાલાજી પેલેસના એક ફલેટમાં લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કડીયાકામ કરતો યુવાન સાંજે ઘરે પરત ફર્યો ત્યારે પત્નીની ગળેટૂંપો આપી હત્યા કરેલી લાશ મળી આવી હતી તેમજ પત્નીના ગળામાંથી સોનાની બે ચેઈન અને ઘરમાંથી રોકડા રૂ. ૧૫,૦૦૦ ની લૂંટ થઈ હતી. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ સાવરકુંડલનો વતની અને સુરતમાં પત્ની રીના (ઉં.વ.૨૮) તેમજ બે બાળકી સાથે કતારગામ રણછોડ પાર્ક-૨ પાર્થ કોમ્પલેક્ષની સામે આવેલા બાલાજી પેલેસના ફલેટ નં. ૩૦૩ માં રહેતો મનોજ દેવશીભાઈ ચોટલીયા કડીયાકામ કરે છે. આજે બપોરે જમીને મનોજ કામ ઉપર ગયો હતો અને સાંજે ૭.૩૦ વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં પત્ની રીનાની દોરી વડે ગળેટૂંપો આપી હત્યા કરેલી લાશ નજરે ચઢી હતી. તેની બંને બાળકી ઘરમાં રડતી હતી.