ગુજરાત
News of Friday, 10th August 2018

ઉકાઇ ડેમની સપાટી ઘટતા દક્ષિણ ગુજરાતમાં અબજોનું નુકસાન

શેરડી - ડાંગર પાકને ૧૫૦૦ કરોડના નુકસાનનો અંદાજ

સુરત તા. ૧૦ : દક્ષિણ ગુજરાતના ખેતીના સિંચન માટે ઉકાઇ ડેમ જીવાદોરી સમાન ગણાય છે જેમાં આ વખતે ડેમની સપાટી ઓછી થતા શેરડી અને ડાંગરના પાકને ૧૫૦૦ કરોડનું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને શેરડીની વાવણી એક મહિનો મોડી શરૂ કરવાની સુચના આપવામાં આવી છે.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ પડ્યો નથી. જેથી ઉકાઇ ડેમ રૂલ લેવલથી ૩૫ ફૂટ ઓછો ભરાતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાય તેવી શકયતાઓ છે. જેના કારણે આ વખતે ખેડૂતોને સિંચન માટે પાણી રેગ્યુલર નહીં મળવાની શકયતાઓ છે. જો વરસાદ પડે તો ડેમની સપાટી વધે તો જ ખેડૂતોને સમયસર પાણી મળી રહે તેમ છે.

ડેમમાં પાણીની અછતને પગલે હાલમાં ખેડૂતોને ફકત આઠ કલાક પાણી આપવામાં આવે છે તે પણ છુટક છુટક. જેના કારણે હાલમાં ડાંગર અને શેરડીના પાકને જબરદસ્ત નુકશાન થઇ રહ્યુ છે. આવી જ પરિસ્થિતી યથાવત જ રહેશે તો ખેડૂતોની હાલત વધુ ખરાબ થશે. જો સતત ૧૬ કલાક વિજળીનો પુરવઠો અપાય તો ખેડૂતોને રાહત થાય તેમ છે. બીજીતરફ સરકાર વરસાદ પર નિર્ભર છે.

(10:09 am IST)