ગુજરાત
News of Friday, 10th July 2020

૩૪વર્ષના યુવાનનો સિવિલમાં નેગેટીવ આવ્યો જયારે આરોગ્ય વિભાગના લિસ્ટમાં પોઝીટીવ આવતા દોડધામઃ યુવકે અને ગ્રામજનોએ દર્દીને

હોસ્પિટલમાં ખસેડવાની ના પાડી દેતાં તેના ઘરમાં જ આઈસોલેશન વોર્ડ બનાવી સારવાર

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના વાયરસ એ પગપેસરો કરતા જિલ્લામાં રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થતો જોવા મળી રહ્યો છે. વલસાડ નજીકના તિથલ ગામે આવેલી સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષીય યુવાનને શરદી ખાંસી તાવના લક્ષણો જોવા મળતા તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ દ્વારા તેના બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જોકે આ દર્દી નો બ્લડ રિપોર્ટ આરોગ્ય વિભાગના લિસ્ટમાં પોઝિટિવ જયારે વલસાડ સિવિલ હોસ્પિટલના લિસ્ટમાં નેગેટિવ હોવાથી હોસ્પિટલના તબીબોએ આ કોરોના પોઝિટિવના ૩૪ વર્ષીય દર્દીને રજા આપી દેતા પોતાની સોસાયટીમાં ગયો હતો. દીકરાને કોરોના નો નેગેટિવ રિપોર્ટ હોય રજા આપી દેતા પરિવારજનો ખુશ થઈ ગયા હતા. સગા સંબંધીઓ આજુબાજુના સોસાયટીના રહીશો તેમજ ગ્રામજનો મિત્રો તેને મળવા માટે દોડી ગયા હતા. ત્યાર બાદ  વલસાડ જિલ્લા આરોગ્ય ટીમ તેમની સોસાયટીમાં પહોંચી ગઈ હતી. અને તેનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા માટે લઈ જવા માટે આવ્યા હોવાનું જણાવતા પરિવાર સોસાયટીના સભ્યો ગ્રામજનોએ આરોગ્ય વિભાગની ટીમ સાથે ભારે જીભાજોડી કરી હતી. અંતે કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવાની ધરારના પાડી દેતાં આરોગ્ય વિભાગની ટીમ દ્વિધામાં મુકાઇ ગઇ હતી. અંતે કોરોના પોઝિટિવ દર્દીને પોતાના ઘરના એક રૂમમાં આઇસોલેશન વોર્ડ બનાવી તેમાં તેની સારવાર આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તિથલ ગામે આવેલી સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી સાથે અનેક લોકો મુલાકાત લેતા સંક્રમણમાં આવ્યા હોવાનું નકારી શકાય તેમ નથી. જિલ્લા આરોગ્ય પોઝિટિવ દર્દી સાથે મુલાકાત કરનારા લોકોની તપાસ કરાવી તેમના બ્લડ સેમ્પલ લેવાય તે જરૂરી છે.

(3:22 pm IST)