ગુજરાત
News of Friday, 10th July 2020

રાજપીપળા ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા ઉમદા કામગીરી : સ્ટાફની અછત વચ્ચે પણ ફરિયાદોનો ઝડપી નિકાલ કરાયો

ચિત્રાવાડી પાસે આંબાની મોટી ડાળી તૂટી વાયરો પર પડતા એગ્રીકલચર લાઈનો બંધ થતાં યુદ્ધના ધોરણે કામગીરી બાદ લાઈનો શરૂ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વીજ કંપનીની કામગીરી નિરાશાજનક હોય વારંવાર લાઈટોની ફરિયાદો ઉઠે છે ત્યારે તેવા સમયે રાજપીપળા ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી ઉમદા થતી હોવાનું કેટલાક ખેડૂતો દ્વારા જાણવા મળ્યું .જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ ના વર્ષો કરતા રાજપીપળા ગ્રામ્યમાં આવતા રાજપીપળાથી નરખડી- પોઇચા રંગસેતું બ્રિજ સુધી ની એગ્રીકલચર લાઈનો બાબતે છેલ્લા 3 વર્ષ થી ઘણી સારી કામગીરી વીજ કંપની દ્વારા થઈ રહી છે.
જેનું તાજું જ ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું જેમાં રાજપીપળા ગ્રામ્ય વિસ્તારમાં આવતી એગ્રીકલચર વીજ લાઈનો અચાનક બંધ થતા કેટલાક ખેડૂતોએ ફરિયાદ નોંધાવી પરંતુ ખૂબ લાંબી લાઈન હોય ફોલ્ટ શોધવો મુશ્કેલ હોવા છતાં વીજ કંપનીના ઈજનેર એસ.આર.પટેલ પોતે જ સ્ટાફ સાથે ખેતરોમાં પેટ્રોલિંગમાં નીકળ્યા અને કેટલાય કી.મી.પગપાળા ચાલ્યા બાદ ચિત્રાવાડી ગામ પાસે એક આંબાના ઝાડની મોટી ડાળી વાયરો ઉપર પડેલી જોવા મળી ત્યાં મરામત કરી અન્ય બીજી કોઈ ક્ષતિ બાબતે ચકાસણી કર્યા બાદ અંદાજે દસેક ગામની બંધ થયેલી એગ્રીકલચર લાઈનો આખરે ચાલુ થઈ અને ખેડૂતો એ હાશકારો અનુભવ્યો.
ત્યાંના એક ખેડૂત જનકભાઈ મોદીના જણાવ્યા મુજબ ત્રણ ચાર દિવસથી લાઈટો ની આવનજાવન થતી હતી ત્યારબાદ ફરિયાદ કરતા માણસો રીપેરીંગમાં આવ્યા પરંતુ ફોલ્ટ ન મળતા ખુદ ઈજનેર પટેલ દોડી આવ્યા ત્યારબાદ હવે રેગ્યુલર અમારી લાઈનો ચાલુ થઈ હતી.

(12:07 pm IST)