ગુજરાત
News of Monday, 10th June 2019

સરકારે હાથ ધર્યો પ્રયાસો

ગુજરાતમાં વૈશ્વિક સ્તરનું ડિઝનીલેન્ડ બનશે?

નવીદિલ્હી, તા.૧૦: ગુજરાતમાં વોટરપાર્ક તો ઘણાય છે, પરંતુ ડિઝનીલેન્ડ જેવા અમ્યુઝમેન્ટ પાર્ક એકેય નથી. ગુજરાતીઓને અમ્યુઝમેન્ટપાર્કની મજા લેવી હોય તો પણ મુંબઈ કે પુણે સુધી લાંબા થવું પડે છે. જોકે, ગુજરાતમાં જ દેશનો સૌ પહેલું ડિઝનીલેન્ડ ખૂલે તેવા પ્રયાસો શરુ થયા છે. બધું સમૂસુતરું પાર પડે તો ગુજરાતીઓને અમેરિકા તેમજ વિદેશોમાં જ જોવા મળતા ડિઝનીલેન્ડની મજા માણવા હવે વિદેશ નહીં જવું પડે.

ડિઝનીલેન્ડના માલિક ઈન્ડિયામાં પણ એક પાર્ક શરુ કરવા માગે છે, અને તેના માટે તેઓ યોગ્ય જગ્યાની શોધમાં છે. અગાઉ તેઓ મુંબઈની આસપાસ ડિઝનીલેન્ડ બનાવવા માગતા હતા. જોકે, હવે તેમણે પ્લાન બદલ્યો છે અને તેઓ મુંબઈની બહાર અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગે છે. તેવામાં ગુજરાત સરકારે ડિઝની રાજયમાં જ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવે તેવા પ્રયાસો શરુ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટુરિઝમ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસજે હૈદરને રાજય સરકારે ડિઝનીલેન્ડ ગુજરાતમાં લાવવા માટે ખાસ જવાબદારી સોંપી છે. ડિઝનીના માલિકો અમ્યુઝમેન્ટ પાર્ક માટે જગ્યા શોધી રહ્યા છે, અને તેમની શોધખોળ ગુજરાત આવીને અટકે તેવી પૂરી શકયતા છે. ગુજરાત સરકાર તેના માટે ડિઝનીને કેટલાક ખાસ ફાયદાઓ પણ ઓફર કરી શકે છે. વળી, રાજયમાં દુનિયાભરમાંથી ટુરિસ્ટ આવે છે, તે પણ અહીં ડિઝનીલેન્ડ બનાવવાનું એક કારણ બની શકે છે.

આખી દુનિયામાં છ ડિઝની પાર્ક આવેલા છે. જેમાં કેલિફોર્નિયા, ફ્લોરિડા, ટોકયો, પેરિસ, હોંગકોંગ અને ચીનનો સમાવેશ થાય છે. ભારતમાં એકેય ડિઝનીલેન્ડ હજુ સુધી બન્યું નથી. જો ગુજરાતમાં ડિઝનીલેન્ડ બને તો તે ભારતનું સૌ પહેલું ડિઝનીલેન્ડ હશે.

(4:19 pm IST)