ગુજરાત
News of Monday, 10th May 2021

આવતીકાલથી રાહતદરે અને મફત NFSA કાર્ડ હોલ્ડરોને ઘઉં-ચોખાનું વિતરણ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૧૧મીથી રેશનકાર્ડ હોલ્ડરોને વ્યકિતદીઠ મફત ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા અપાશે

રાજકોટ, તા. ૮ :. કોરોનાકાળમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એનએફએસએ કાર્ડ હોલ્ડરોને રાહત દરે અને મફત ઘઉં, ચોખાનું વિતરણ કરવા જઈ રહી છે.

આખા રાજ્યની વાત કરીએ રાજ્યમાં કુલ ૭૧.૫૪ લાખથી વધુ એનએફએસએ કાર્ડ હોલ્ડરો છે અને રેશનકાર્ડ ધારકોની સંખ્યા ૩.૭૪ કરોડ એટલે કે પોણા ચાર કરોડ છે. આ તમામને આવતીકાલ મંગળવાર તા. ૧૧થી રાહત દરનું નિયમીત વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં, ચોખાનું મે મહિનાનુ વિનામૂલ્યે વિતરણ થશે.

રાજકોટ શહેર-જિલ્લામાં એનએફએસએના કુલ ૨ લાખ ૯૧ હજાર ૧૩૭ કાર્ડ છે અને કુલ રેશનકાર્ડ ધારકો ૧૨ લાખ ૪૭ હજાર ૭૫૫ છે. આ તમામને લાભ મળશે અને દરેક કાર્ડ હોલ્ડરના છેલ્લા આંક મુજબ જે તે તારીખે માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે પુરવઠો લેવા જવાનુ રહેશે તેમ પૂરવઠાના સૂત્રોએ ઉમેર્યુ હતું.

પ્રધાનમંત્રી યોજનામાં એનએફએસએ કાર્ડ હોલ્ડરોને વ્યકિતદીઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા મળી કુલ ૫ કિલો અનાજ મફત મળશે. ઉદાહરણ મુજબ ૧ રેશનકાર્ડમાં ૫ વ્યકિતઓના નામ હશે તો કુલ ૨૫ કિલો અનાજ વિનામૂલ્યે મળશે.

જ્યારે દર મહિનાના રાહત દરના નિયમીત વિતરણમાં એનએફએસએ કાર્ડ હોલ્ડરોને ૨ રૂ. કિલો ઘઉં, ૩ રૂ. કિલો ચોખા, ૬૧ રૂ. કિલો તુવેર દાળ, રૂ. ૨૨ની કિલો ખાંડ, જ્યારે અંત્યોદયને રૂ. ૧૫ કિલો ખાંડ અને ૧ રૂ. કિલો આયોડાઈઝ મીઠુ મળશે.રાજકોટની ૧૮૦ સહિત જીલ્લાભરમાં કુલ ૩૦૦ દુકાનો ઉપર મંગળવારથી સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭ દરમિયાન મળશે. આ વિતરણ સંદર્ભે ડીએસઓશ્રી પૂજા બાવડા અને તેમની ટીમના ઈન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, હેડ કલાર્ક નિલેશ ધ્રુવ વિગેરે દ્વારા કાર્યવાહી થઈ રહી છે.અનાજનો જથ્થો આપવા સંદર્ભે આજે અને અન્ય વસ્તુઓ ભરેલી ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશને આવી પહોંચી હતી. હવે પૂરવઠા નિગમના ગોડાઉન અને ત્યાંથી સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં પૂરવઠો પહોંચાડાશે. મોટાભાગના દુકાનદારોને ત્યાં જથ્થો છે. મફત આપવાનોે જથ્થો પણ સોમવાર સુધીમાં પહોંચી જશે, સાધનોએ કહ્યું હતું.

(11:52 am IST)