ગુજરાત
News of Friday, 10th May 2019

વડોદરાના પાદરા તાલુકામાં કંપનીમાં થયેલ વિસ્ફોટના પગલે ત્રણ પ્લાન્ટ બંધ કરી દેવાની નોટિસ ફટકારાઇ

વડોદરા:જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામે આવેલી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રિઝ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટના બાદ આ કંપનીના ત્રણ પ્લાન્ટને બંધ કરી દેવાની નોટિસ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા  ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે ટ્રાન્સપેક કંપનીમાં ગઇ રાત્રે કેમિકલ પ્રોસેસ દરમિયાન થયેલી ઔદ્યોગિક દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે વિભાગના ડેપ્યુટી ડાયરક્ટર વી.જે. પટેલે જણાવ્યું હતું કે કંપનીના એસીએલ-૬ પ્લાન્ટમાં ટેરા ફિલીક ફ્લોરાઇડ (ટીપીસી) જેનો પ્લાસ્ટીકના રો મટીરીયલ તરીકે ઉપયોગ થાય છે તેના પર પ્રોસેસ ચાલતો હતો. આ પ્લાન્ટના રીએક્ટર નંબર-૫ અને વેન્ટ પાઇપને ફ્લેક્સીબલ બેરોથી જોઇન્ટ કર્યું હોય છે. આ ફ્લેક્સીબલ બેરો અચાનક ફાટતા પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ટીપીસી કેમિકલ બહાર ઉછળતાં પ્લાન્ટમાં કામ કરતાં પાંચ કર્મચારીઓ દાઝ્યા છે.

(5:34 pm IST)