વડોદરામાં છેડતી કરતા પેથોલોજી લેબમાં નિવૃત્ત એરફોર્સના જવાનને દંપત્તિએ ઢોર માર માર્યો
વડોદરા: વડોદરાના માણેજામાં આવેલા પેથોલોજી લેબમાં કામ કરતી મહિલા કર્મચારીએ પેથોલોજી લેબમાં જ કામ કરતા નિવૃત્ત એરફોર્સના જવાન સામે છેડતીના આક્ષેપ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મહિલા કર્મચારીએ તેના પતિને જાણ કરતા પતિ-પત્નીએ ભેગા મળી લેબમાં નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદને ઢોર માર માર્યો હતો. તેમજ મહિલાના પતિએ લેબમાં ઘુસી તોડફોડ કરી હતી. જેના કારણે નિવૃત્ત એરફોર્સના જવાને પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે.
મહત્વની વાત છે કે નિવૃત્ત એરફોર્સના જવાન દિનેશ પ્રસાદે પેથોલોજી લેબમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં ફરીયાદી મહિલા અને તેના પતિ લેબમાં ઘુસી નિવૃત્ત જવાનને માર મારતા નજરે પડે છે. ફરીયાદી મહિલા ઝાડૂથી જવાનને મારે છે.
નિવૃત્ત એરફોર્સના જવાને મહિલા કર્મચારીના છેડતીના આરોપો ખોટા હોવાનો આક્ષેપ કરી બીજા સીસીટીવી ફૂટેજ પોલીસને સોપ્યા છે. નિવૃત્ત જવાને મહિલા પર આક્ષેપ કર્યો છે મહિલા રાતના સમયે અંધારામાં તેના બોયફ્રેન્ડ સાથે લેબમાં રંગરેલીયા મનાવતી હતી જેને આ લેબમાં ન કરવા ટકોર કરતા ખોટી ફરીયાદ ઉપજાવી કાઢી છે.
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે ફરીયાદી મહિલા તેના બોયફ્રેન્ડ સાથે લેબમાં રંગરેલીયા મનાવે છે. હાલમાં મકરપુરા પોલીસે મહિલા કર્મચારીની ફરિયાદ લઈ નિવૃત્ત એરફોર્સ જવાન દિનેશ પ્રસાદની ધરપકડ કરી છે. તો મહિલા અને તેની પતિની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.