ગુજરાત
News of Friday, 10th May 2019

વડોદરાના પાદરાના એકલબારા વિસ્તારમાં કેમિકલ કંપનીમાં ગેસ વિસ્ફોટ : પાંચ લોકો દઝાયા : બે ગંભીર

ગંભીર દાઝેલાને વડોદરા કર્યા : સ્થાનિક લોકોમાં ગેસ ગળતરની ફરિયાદ

વડોદરાના પાદરાના એકલબારા વિસ્તારની કેમિકલ કંપનીમાં અચાનક ગેસ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હતા જેમાં બે લોકોની હાલત વધારે ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

   મળતી માહિતી મુજબ પાદરા નજીક આવેલા એકલબારા ગામમાં આવેલી કેમિકલ બનાવતી ટ્રાન્સપેક કંપનીના HCL 6 પ્લાન્ટની અંદર મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં કંપનીમાં કામ કરતા 5 લોકો દાઝ્યા હતા. ઘટનામાં દાઝી ગયેલા તમામ લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 હોસ્પિટલમાં 2 લોકોની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ કંપનીના સંચાલકો દ્વારા, આ બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

  આ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય અને નજીકના ગામોના સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થવાના કારણે આસપાસના સ્થાનિક લોકોમાં ગેસ ગળતરની ફરિયાદ પણ ઉઠવા પામી હતી.

(12:53 pm IST)