ગુજરાત
News of Friday, 10th May 2019

ભરૂચમાં તાંત્રિકવિધિ - નરબલી માટે બે સગીરાનું અપહરણ કરનાર બે આરોપી ઝડપાયા : બંને બાળકીઓ મુક્ત કરાવી

ભરૂચમાં તાંત્રિક વિધી અને નરબલી માટે બે કિશોરીઓનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો અને બંને બાળકીઓને મુક્ત કરાવી હતી.

મળતી માહિતી મુજબ  અમાસના દિવસે તાંત્રિક વિધીમાં બે બાળકીઓની નરબલી આપવા માટે લેબર કોન્ટ્રાક્ટરે તેની નીચે કામ કરતા કામદારના પરિવારની બાળકીઓનું અપહરણ કર્યું હતું. આરોપી કોન્ટ્રાક્ટર સારું કામ અપાવવાની લાલચ આપીને પરિવારને વડોદરા લઇ ગયો હતો. ત્યાં આ આરોપીઓ બે બાળકીને પોતાની પાસે રાખીને પરિવારના બીજા સભ્યોને અન્ય જગ્યા પર કામ કરવા માટે મોકલી દીધા હતા.જ્યારે પરિવારના સભ્યો કામ પૂર્ણ કરીને પરત આવ્યા, ત્યારે કોન્ટ્રાક્ટર અને બાળકીઓ ગાયબ હતી. જેના કારણે પરિવારના સભ્યો દ્વારા કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટરે ફોન ન ઉપાડતા બાળકીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

  ભરૂચ ક્રાઈમ બ્રાંચે રેલવે પોલીસ અને અન્ય ચાર જિલ્લાઓની પોલીસને સાથે રાખીને બાળકીઓને શોધવાનું ઓપરેશન હાથ ધર્યું હતું અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેની પાસેથી બાળકીઓ છોડાવીને બાળકીઓને તેમના પરિવારને સોંપવામાં આવી હતી.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ કરતા બાળકી તેને પાસે હતી નહીં. તેની પાસે રહેલા મોબાઈલનું ચેકિંગ કરતા તેની સાથે રાજસ્થાનનો એક વ્યક્તિ સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથામિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ કોઈ તાંત્રિક વિધી માટેનું અપહરણ છે. વિશેષ પૂછપરછ કરતા વધુ જાણવા મળ્યું હતું કે, આરોપીની પત્નીને કોઈ 12 વર્ષ પહેલ ભગાડી ગયું હતું. તેને કોઈ પણ રીતે પોતાનો પરિવાર બનાવવો હતો એટલે રાજસ્થાનનો આ તાંત્રિક તેને અલગ-અલગ વિધીઓ કરવાનું કહેતો હતો.

(12:50 pm IST)