ગુજરાત
News of Friday, 10th May 2019

બનાસકાંઠા જિલ્લામાં પશુઓની ગણતરીનો પ્રારંભ

અસરગ્રસ્ત 9 તાલુકામાં વિવિધ ટીમો દ્વારા ગણતરી કર્યા બાદ સહાય ચુકાવાશે

બનાસકાંઠા જિલ્લામાં આજથી તંત્ર દ્વારા પશુઓની ગણતરી હાથ ધરાઈ છે અસરગ્રસ્ત જાહેર કરાયેલ ૯ તાલુકાઓની પાંજરાપોળ અને ગૌશાળા ઓમાં વિવિધ ટીમો દ્વારા પશુ ગણતરી કર્યા બાદ સહાય ચુકવવામાં આવશે.

  બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે વરસાદ નહીં થતા જિલ્લાના નવ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે જ્યાં આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણી અને ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. જેથી આવા પશુઓની સહાય માટે સરકાર દ્વારા સહાય માટેના પગલાં લેવાયા છે જેમાં પશુ દીઠ રૂ.૩પ ચુકવવાની જાહેરાત કરાઈ હતી.

   પશુઓ માટે પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા તંત્ર દ્વારા હાલમાં આવા વિસ્તારોમાં પશુઓને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરાઇ છે જે અંતર્ગત બનાસકાંઠા માં અસરગ્રસ્ત ૯ તાલુકાઓમાં આવેલી તમામ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં પશુઓની ગણતરી હાથ ધરવામઆવી છે. જેમાં ડીસા તાલુકામાં કાટ ખાતે આવેલી પાંજરાપોળ ખાતે પશુચિકિત્સક ડો.વીનોદભાઈ મકવાણા અને ડો.સી.એન.પટેલ અને સર્કલ ઓફિસર ડી.એચ.પાટડીયા તથા તલાટી નરેશ ચૌધરી સહિત ત્રણ ટીમો પશુ ગણતરી માટે આવી પહોંચી હતી આવા પશુઓની ગણતરી બાદ સરકાર દ્વારા પશુ દીઠ રૂ.૩પની સહાય ચુકવવામાં આવશે તેમ પશુચિકિત્સકે જણાવ્યું હતું.

(11:24 am IST)