ગુજરાત
News of Friday, 10th May 2019

તસ્કરો એટીએમમાંથી આખુ એસી ચોરી ગયા : તપાસ શરૂ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તસ્કરોનો આતંક : એટીએમમાં એસીના આઉટ અને ઈનડોર યુનિટની ચોરી

અમદાવાદ,તા. ૯ :  અમદાવાદ સહિત રાજયભરમાં હાલ કાળઝાળ ગરમીના કારણે લોકો રીતસર અકળાઈ ઊઠ્યા છે ત્યારે અમદાવાદ શહેરના તસ્કરો પણ જાણે ભારે ગરમી અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કુબેરનગર ક્રોસિંગ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાંથી તસ્કરો એસીની ચોરી કરીને ફરારથી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, તસ્કરો એટીએમમાંથી પૈસા કે એટીએમ ઉઠાવી જવાને બદલે એ.સી. કેમ ઉઠાવી ગયા તેને લઇ હવે સવાલ પણ ઉઠી રહ્યા છે. પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે. એટીએમનો સિક્યોરિટી રજા પર હોવાથી તસ્કરોએ તકનો લાભ લઇ એસીના આઉટ અને ઈનડોર યુનિટ એસી ચોરી કરી હતી. સરદારનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી નીલકંઠપાર્ક સોસાયટીમાં રહેતા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સંદીપ કુશવાહે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ, કુબેરનગર ક્રોસિંગ પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કનું એટીએમ આવેલું છે, જ્યાં સિક્યોરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બે દિવસે સિક્યોરિટી ગાર્ડ રજા પર હતાં. તે દરમિયાન ગત મોડી રાતે તસ્કરો એટીએમમાં ચોરી કરવા માટે આવ્યા હતા. જ્યાં તસ્કરોએ એટીએમમાં લગાવાયેલા વોલ્ટાસ કંપનીના એસીના આઉટ અને ઈનડોર યુનિટની ચોરી કરી હતી. સિક્યોરિટી ગાર્ડ ન હોવાથી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સંદીપને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તાત્કાલિક કુબેરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

(8:30 pm IST)