ગુજરાત
News of Thursday, 10th May 2018

આજના સમયે સમુહલગ્ન આવશ્યક બની ગયા છે, કારણ કે મધ્યમ અને ગરીબ પરિવાર માટે લગ્ન ક્યારેક ચિંતારૂપ બની જાય છેઃ સાબરકાંઠાના તલોદ તાલુકાના વાવ ગામમાં શ્રી વિરેશ્વરજી મહાદેવ મંદિર આયોજીત સમુહલગ્નમાં વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

ગાંધીનગરઃ બે આત્માઓના પવિત્ર બંધનને લગ્નથી ઓળખવામાં આવે છે, તેવું આજરોજ તલોદ તાલુકાના વાવ ગામ ખાતે યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

શ્રી વિરેશ્વરજી મહાદેવ મંદિર દ્રારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સંસારિક જીવનમાં પ્રભુતાના પગલા માંડનાર ૪૭ નવદંપતિને આર્શીવાદ આપીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પતિએ પત્નીને સાચવવાની જવાબદારી છે. પતિએ પત્નીને પ્રેમ કરવો જોઇએ. પત્નીએ પતિનો આદર કરવો જોઇએ. તેવું સુખ લગ્ન જીવન માટે ખૂબ જરૂરી છે.

પાંચમી વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વને અભિનંદન પાઠવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમૂહલગ્ન  જરૂરી અને આવશ્યક બની ગયા છે, કારણ કે મધ્યમ વર્ગ અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવાર માટે લગ્ન એ કયારેક ચિંતારૂપ બની જાય છે. આવા પરિવારોની જવાબદારી સમાજના અગ્રણીઓએ સમૂહલગ્નોત્સવ રૂપે ઉઠાવી લીધી છે તે વાત ધન્યવાદને પાત્ર છે.

મુખ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે ત્યાં લગ્નએ સંસ્કાર છે લગ્નને પવિત્ર બંધન ગણવામાં આવે છે. લગ્નએ બે આત્માનું નહિ પણ બે પરિવારનું મિલન છે.

આ પ્રસંગે ૪૭ નવદંપતિઓને રાજય સરકારના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત ૨૦ હજાર રૂપિયા દરેક નવદંપતિને આપવામાં આવ્યા હતા. રૂા.૫૦ હજારનો ચેક રાજય સરકાર દ્રારા વિરેશ્વરજી મહાદેવ મંદિરને સમૂહલગ્નોત્સવનું આયોજન કરવા માટે આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્યશ્રી જયસિંહ ચૌહાણ, જાણીતા કલાકાર નરેશ કનોડિયા સહિત મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના ભાઇબહેનો ઉપસ્થિત રહયા હતા.

(7:32 pm IST)