વડોદરામાં લારી ગલ્લા બંધ કરવા ગયેલ મહિલા પીએસઆઇ પર જીવલેણ હુમલો થતા અરેરાટી
વડોદરા:શહેરના સંવેદનશીલ દૂધવાળા મોહલ્લાના નાકે મોડી રાત્રે ચાલતા લારી-ગલ્લા બંધ કરાવવા માટે ગયેલી વાડી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો હતો.
ટોળાએ પોલીસને ધક્કે ચઢાવી હતી જયારે એક લારીધારકે મહિલા પીએસઆઈની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કર્યા બાદ તેમની લાકડી ખેંચી લીધી હતી અને મહિલા પીએસઆઈના માથામાં પાછળ ફટકો મારી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવમાં રાવપુરા પોલીસે ચાર યુવકોની અટકાયત કરી અન્ય હુમલાખોરોની શોધખોળ શરૃ કરી છે.
શહેરના વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસ જે તોમર ગઈ કાલે નાઈટ રાઉન્ડમાં સ્ટાફ સાથે નીકળ્યા હતા. રાત્રે દોઢ વાગે તે ઘડિયાળીપોળમાં હોમગાર્ડઝના પોઈન્ટ પરથી બે જવાનોને બોલાવીને વાડી-૧ મોબાઈલ વાનમાં ન્યાયમંદિર દૂધવાળા મોહલ્લાના નાકે મોડી રાત્રે ગેરકાયદે ચાલુ લારી-ગલ્લા બંધ કરાવવા માટે ગયા હતા.