ગુજરાત
News of Friday, 10th April 2020

મહેસાણામાં લોકડાઉનના કારણોસર 200 વીઘામાં ગુલાબની ખેતી કરતા 200 પરિવારના ખેડૂતોની હાલત દયનિય બની: ફૂલનો વેપાર ભાંગી પડ્યો

મહેસાણા:લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ઠપ્પ બની જતાં તેની વેપારધંધા ઉપર પણ વિપરીત અસર પડી છે. વિશેષ કરીને રોકડીયો વેપાર ગણાતા ફૂલનો વેપાર સાવ પડી ભાંગ્યો છે. રોજેરોજ હજારો મણ ગલગોટા અને ગુલાબ જેવા ફૂલોનું ઉત્પાદન થાય છે. પરંતુ બજારો બંધ હોવાથી ખેડૂતો અને વેપારીઓ ફુલનો જથ્થો ફેંકી દેવા મજબૂર બન્યા છે. જેના લીધે ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ૨૦૦ વિઘામાં ગુલાબની ખેતી થાય છે. જેમાં વિઘા દિઠ ૧૦ કિલો દૈનિક ગુલાબ ઉત્પાદન થાય છે. આ ખેતી ઉપર ૨૦૦ ખેડૂત પરિવારોની રોજીરોટી ચાલે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં આ ગુલાબના ફૂલ રસ્તા પર ફેંકવા ખેડૂતો મજબૂર બન્યા છે.

લોકડાઉનના લીધે ઉત્તર ગુજરાતના મંડપ સર્વિસ માર્કેટને અંદાજે ૧ કરોડથી વધુ નુકસાન થયું છે તેવું ઉત્તર ગુજરાત મંડપ સર્વિસ એસોસીએશનના પ્રમુખે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે માર્ચ, એપ્રીલ અને મે માસના લગભગ તમામ લગ્નો કેન્સલ થઈ ગયા છે. જે પણ લોકોએ એડવાન્સ રકમ આપી હતી તે પરત લેવા માંડયા છે. હાલ આ મંડપ એસોસીએશનમાં કામ કરતા મજૂરોની હાલત સૌથી વધુ કફોડી થઈ ગઈ છે. આવી જ રીતે પાર્ટીપ્લોટોની પણ પરિસ્થિતિ ગંભીર છે. મહેસાણાના ખાનગી પાર્ટીપ્લોટના સંચાલકે જણાવ્યું કે, મોટાભાગના લગ્નો કેન્સલ થઈ રહ્યા છે. ખાસ કરીને માર્ચ, એપ્રીલ અને મે માસના લગ્નો લોકો ટાળી રહ્યા છે. હજુ લોકડાઉન લંબાવવાની વાત ચાલી રહી હોવાથી આ સીઝનમાં લગ્નો થાય તેવું લાગતું નથી.

(6:26 pm IST)