ગુજરાત
News of Friday, 10th April 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર નર્સને મુકવા ગયેલ તેના પુત્રને રસ્તા પર રોકી પોલીસે ધોલાઈ કરી

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક હોસ્પિટલમાં નર્સને મુકવા ગયેલા તેના પુત્રને પોલીસે રસ્તા પર રોકીને તેની ધોલાઈ કરી દીધી હતી. નર્સને મોપેડ ચલાવતા આવડતુ ન હતુ એટલે તેનો પુત્ર તેને રોજ હોસ્પિટલ મુકવા તથા લેવા જતો હતો. 

આજે પાણીગેટ પોલીસે તેને રસ્તા પર જ રોક્યો હતો અને લોકડાઉનમાં બહાર નીકળવાનુ  કારણ પુછ્યુ હતુ. નર્સના પુત્રે પોલીસને જણાવ્યુ હતુ કે, તે તેની માતાને હોસ્પિટલમાં મુકવા આવ્યો હતો અને હવે તે ઘરે પાછો જઈ રહ્યો છે. 

પોલીસે તેની વાત પર ભરોસો કર્યો ન હતો અને તેના વાળ પકડીને તેની ધોલાઈ કરી હતી. નર્સનું કહેવુ છે કે, પોલીસે તેના પુત્રને ખોટી રીતે મારમાર્યો હતો. પોલીસ લોકડાઉનના નામે નિર્દોષ લોકોને મારમારી રહી છે. નર્સે જણાવ્યુ હતુ કે, મારે આજે હોસ્પિટલ સ્ટાફ સાથે કરજણમાં પોલીસ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવા જવાનુ હતુ એટલે મેં મારા પુત્રને વહેલા ઉઠાડ્યો હતો અને તે મને તેના બાઈક ઉપર હોસ્પિટલમાં મુકવા આવ્યો હતો. ત્યાથી તે પાછો જતો હતો તે વખતે પોલીસે તેને રોકીને મારમાર્યો હતો. 

(6:11 pm IST)