ગુજરાત
News of Friday, 10th April 2020

મોર્નિંગ વોકર્સ સાવધાનઃ જેલમાં જવું પડશે

અમદાવાદ-વડોદરામાં ૬૦ની ધરપકડ! વેપારી, પ્રોફેસર એન્જીનીયર વગેરે સામેલ

અમદાવાદ/વડોદરા, તા.૧૦:  લોકડાઉનના આ સમયમાં સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રસ્તા પર ઉતરીને કસરત કે મોર્નિંગ વોક કરવા માટે જવું તમને મુશ્કેલીમાં પાડી શકે છે. અમદાવાદ અને વડોદરામાં ૬૦ જેટલા મોર્નિંગ વોકર્સને કાયદાનું ઉલ્લંઘન કરીને કોવિડ-૧૯ ફેલાવવાના ગુનામાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે.

અમદાવાદમાં માત્ર વસ્ત્રાપુરમાં જ ૨૩ જેટલા લોકોની મુખ્ય રસ્તા પર ચાલતા અને સોસાયટીના કેમ્પસમાં ચાલવા માટે પકડી લેવામાં આવ્યા હતા. સેટેલાઈટ વિસ્તારમાં ૧૦ જેટલા લોકોને પકડવામાં આવ્યા હતા. વડોદરામાં પોલીસે સયાજીગંજમાંથી ૨૪ જેટલા લોકોને પકડ્યા હતા. જયાં લોકો મુખ્યત્વે વોક કરવા કે જોગિંગ માટે આવતા હોય છે.

નારાણપુરા વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીના કોમનપ્લોટમાં જોગિંગ કરતા ત્રણ લોકોને પોલીસે ડ્રોનની મદદથી જોયા. તેમની ધરપકડ કરતા સમયે ભારે ડ્રામા સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંદ્યન કરતા પકડાયા હતા. જયારે સ્થાનિકોને કહેવું છે કે, પોલીસે એકસાથે બધા લોકોને વ્હીકલ અને લોકઅપમાં પૂરે છે તે બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનો હેતૂ રહેતો નથી.

નારણપુરાના રહેવાસી જયેશ પટેલ કહે છે, અમે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું સોસાયટીમાં ચાલતા સમયે પાલન કરીએ છીએ. જોકે તેમ છતાં પોલીસ અંદર આવીને અમને લઈ જાય છે અને ૨૦ લોકો સાથે બેસવા માટે મજબૂર કરે છે, જે ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન છે. નારણપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર જે.આર પટેલે કહ્યું, આરોપીઓને ડ્રોન કેમેરાથી મોર્નિંગ વોક કરતા પકડ્યા હતા. લોકઅપ સાઈઝમાં નાનું હોવાના કારણે અંદર ૨૦થી ૨૫ લોકોને રાખવામાં આવે છે. વડોદરામાં પણ લોકો કમાટીબાગ રોડ, નરહરી સર્કલ અને પ્રતાપગંજ નજીક મોર્નિંગ વોક કરતા પકડાયા હતા. આ બધાને પકડીને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આ પકડાયેલા લોકોમાં વેપારીઓ, સોફ્ટવેર એન્જિનિયર, રેસ્ટોરાં માલિક, સેન્ડવિચ શોપ ઓનર, પ્રોફેસર અને વિદ્યાથી સહિતના લોકો હતા

(10:39 am IST)