ગુજરાત
News of Tuesday, 10th April 2018

નર્મદામાં પાણી હોવા છતાં મધ્યપ્રદેશ સરકાર ગુજરાતને પાણી આપતું નથી : અમિત ચાવડા

-બંને રાજ્યોમાં ભાજપની સરકાર છતાં પાણીની તંગી :ગુજરાતના ખેડૂતો પાણી માટે વલખા મારે છે

 

અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે નર્મદાનું પાણી હોવા છતા મધ્યપ્રદેશ સરકારને કારણે તે પાણી ગુજરાતને મળી નથી રહ્યું. તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે છતાં પણ ગુજરાતમાં પાણીની તંગી છે. એક તરફ ભાજપ સરકાર નર્મદા યોજનાની વાહવાહી માંથી ઉંચી નથી આવી રહીં અને બીજી બાજુ ગુજરાતનાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યાં છે.

  ગુજરાતમાં નર્મદા સુકી ભઠ્ઠ બની રહી છે. સાથે મધ્યપ્રદેશે ગુજરાતને નર્મદાનું પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ગુજરાતની ભાજપ સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, તેનો લાભ ખાંટવા માટે ત્યાની ભાજપ સરકાર ગુજરાતને પાણીથી વંચીત રાખી રહી છે.

  ગુજરાત સરકાર દ્વારા સુકાઈ રહેલી નર્મદા નદી અને તેના આધારીત આસાપાસના વિસ્તારને બચાવ માટે પાણી માંગવામાં આવ્યું છે. ઉપરાંત દહેજ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત માટે તેમજ નર્મદા કિનારે વસતા તેનાં પર નિર્ભર લાખો લોકોના જીવનનિર્વાહ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી મુકવામાં આવી હતી માટે નર્મદાના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે

  તેમ કહેવામાં આવ્યું હતું. જેથી હાલ 600 ક્યુસેક પાણી ધરાવતા સરદાર સરોવર ડેમની સપાટીને 1500 ક્યુસેક સુધી લઈ જઈ શકાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના ખેડૂતો, ઉદ્યોગો અને ગ્રામજનો માટેના નર્મદાના પાણીનો દૂરઉપયોગ થયો હતો. જેને કારણે ગુજરાતમાં નર્મદાના પાણીનો કાપ આવ્યો હતો.

નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન હોવાથી ગુજરાતની મોટા ભાગની પ્રજાની પાણીની મુશ્કેલી દૂર કરવા નર્મદા એક માત્ર ઉકેલ છે, ત્યારે નર્મદાનું પાણી ખૂટી પડતા ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ છે. કટોકટી નિવારવા માટે રાજ્ય સરકારે કેન્દ્રની સાથે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી પાસે મદદ માગી હતી. જેમાં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ડેડવોટરમાંથી પાણી આપવા માટેની ખાતરી આપી હતી.

(11:27 pm IST)