ગુજરાત
News of Wednesday, 10th February 2021

14 ફેબ્રુ.એ વલસાડમાં મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે

સમારંભમાં સુરત રેંજનાં એડિશનલ ડી.જી. ડૉ.રાજકુમાર પાંડિયન, વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલ, વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તથા જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ:પત્રકાર વેલફેર એસોસિયેશન દ્વારા વલસાડમાં પ્રથમ વખત મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ તા.૧૪.૦૨.૨૧ ના રોજ યોજાશે. એડિશનલ ડી.જી. સુરત રેન્જ ડૉ. રાજકુમાર પાંડિયનના અધ્યક્ષસ્થાને અને વલસાડ જિલ્લા કલેકટર  આર. આર. રાવલના મુખ્ય અતિથિ પદે યોજાનારા આ કાર્યક્રમમાં મીડિયાના નિષ્ણાંત જ્યુરી દ્વારા જુદી જુદી કેટેગરીમાં પસંદગી કરાયેલી સ્ટોરીને એવોર્ડ આપી નવાજવામાં આવશે.
વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ દરમિયાન વલસાડ જિલ્લાનાં પત્રકારો દ્વારા બનાવાયેલી સ્ટોરીઓ માટે વલસાડ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા મીડિયા એવોર્ડ પ્રતિયોગીતા રાખવામાં આવી છે. જેમાં અલગ-અલગ ૮ કેટેગરીઓ પ્રમાણે વલસાડ જિલ્લાના પત્રકારો પાસેથી સ્ટોરીઓ મંગાવવામાં આવી હતી. આ સ્ટોરીઓને નિષ્ણાંત જ્યુરી દ્વારા ચકાસી જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.  જેનો એવોર્ડ વિતરણ સમારોહ વલસાડના એસ.ટી. ડેપો સામે આવેલા શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આગામી રવિવાર તા.૧૪.૦૨.૨૧ નાં રોજ સાંજે ૭ કલાકે રાખવામાં આવ્યો છે.

    આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સુરત રેન્જના એડિશનલ ડી.જી ડૉ. રાજકુમાર પાંડિયન શોભાવશે. જ્યારે મુખ્ય અતિથિ પદે વલસાડ જિલ્લા કલેકટર  આર. આર. રાવલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વલસાડનાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર અને જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

 . મીડિયા એવોર્ડ પ્રતિયોગિતામાં પ્રિન્ટ મિડિયાની સ્ટોરીમાં અમદાવાદથી દિલીપસિંહ ક્ષત્રિય, વડોદરાથી દેવેન્દ્રસિંહ પાંજરોલિયા અને ઈલેક્ટ્રોનિક મિડીયાની સ્ટોરીઓમાં સુરતથી શ્રીમતિ પારુલ મહાદિક અને શૈલેષ ત્રિવેદી નિર્ણાયકની ભૂમિકા ભજવશે.

આ કાર્યક્રમમાં કોરોના દરમિયાન નોંધનીય કામગીરી કરનારા એનજીઓ, કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવનારા સરકારી કર્મચારીઓ, ટીમ હેલ્થ, ટીમ એડમિનિસ્ટ્રેશન, ટીમ પોલીસ, ટીમ મ્યુનિસિપાલિટી ઉપરાંત વલસાડ શહેરને ઉચ્ચસ્તરે નામના અપાવનારાં વિવિધ વ્યક્તિ વિશેષને પણ મોમેન્ટો આપી સન્માનવામાં આવશે.
વલસાડમાં પ્રથમ વખત આયોજિત થઇ રહેલા મીડિયા એવોર્ડ સમારંભ અંગે પત્રકારોમાં ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે. પત્રકાર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ હર્ષદ આહીર દ્વારા આ મીડિયા એવોર્ડ વિતરણ સમારંભમાં હાજર રહેવા વલસાડ જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(6:55 pm IST)