ગુજરાત
News of Wednesday, 10th February 2021

વીરપુર નગરમાં ગટરલાઈનોમાંથી પાણી ફુવારાની જેમ ઉછળતા સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને જોખમ

વિરપુર:નગરમાં મોટાભાગની ગટરલાઈનોમાંથી પાણી ફુવારાની જેમ ઊછળી રહ્યું હોવાની ફરિયાદો ઊઠી છે. સ્થાનિકો સતત ઊભરાતી અને તૂટેલી ગટરલાઈનોના ત્રાસથી ત્રાહિમામ પોકારી  રહ્યા છે. નગરમાં ઠેરઠેર જાહેર માર્ગો પર ગટરનાં પાણી ફરી વળેલાં જોવાં મળે છે. ત્યારે આ ગંભીર સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માંગ ઉઠી છે.વિરપુરના જાગ્રત નાગરિકો આક્રોશપૂર્વક જણાવે છે તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્તરે વિકાસકાર્યો કરવા માટે અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં વિરપુરમાં તેનો લાભ લેવાનું સ્થાનિક તંત્રને હજી સૂઝ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વિરપુર નગરમાં  એક પણ ગટરલાઈન એવી નથી, જેમાં ભંગાણ કે ચોકઅપ ન સર્જાયા હોય. ભયંકર ગંદકી વચ્ચે વિરપુરવાસીઓ રોગચાળાના ભય વચ્ચે જીવી રહ્યા છે. કોરોનાની મહામારીનો સમય હજી પૂરો થયો નથી તેવામાં સ્થાનિક તંત્રને રહેવાસીઓના સ્વાસ્થ્યની કોઈ ચિંતા હોય એમ લાગતું નથી. મળતી માહિતી પ્રમાણે શહેરના મોટા ભાગના જાહેર માર્ગો ગટરના ગંદા પાણીથી છલકાઈ રહ્યા છે અને ગટરલાઈનો ખંડેર હાલતમાં છે. જાગ્રત નાગરિકો દ્વારા સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી કોઈ પગલાં ભરાયાં નથી.

(5:19 pm IST)