ગુજરાત
News of Wednesday, 10th February 2021

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ઓઢવ વિસ્‍તારમાં રાજકીય ગરમાવોઃ કોંગ્રેસના બેનરો .તારતા ભાજપ સામે સૂત્રોચ્‍ચાર

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના બેનરો દબાણ ગાડીએ ઉતારતા વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને ભાજપ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

ઓઢવમાં દબાણ ગાડીએ સોસાયટીના ગેટ પર લાગેલા કોંગ્રેસના બેનરો હટાવતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપના ઇશારે દબાણ વિભાગ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. ઓઢવમાં AMCની દબાણ ગાડીએ કોંગ્રેસના બેનરો નીચે ઉતારતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર ધરણા પર બેસી ગયા હતા અને ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગીનહી ચલેગી તેમજ ભાજપ તેરી દાદાગીરી નહી ચલેગી જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધ બાદ દબાણ ગાડીએ પોસ્ટર પાછા આપી દીધા હતા.

ઓઢવ વોર્ડમાં ભાજપે નીતા દેસાઇ, મીનુ ઠાકુર, દિલીપ પટેલ અને રાજુ દવેને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે વિષ્ણુ દેસાઇ, જીમલી ગોહિલ, બિરવા પટેલ અને ગીતા લખતરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

ઠેર ઠેર થઇ રહ્યો છે વિરોધ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. પોત પોતાના વોર્ડમાં જઇને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કેટલીક જગ્યાએ તેમનો વિરોધ થઇ રહ્યો છે. લોકો બળાપો કાઢી રહ્યા છે કે ચૂંટણી નજીક આવતા જ પક્ષો મત મેળવવા માટે બહાર નીકળે છે અને ચૂંટણી પૂર્ણ થઇ ગયા પછી તેઓ ક્યાય દેખાતા નથી.

(4:56 pm IST)