ગુજરાત
News of Wednesday, 10th February 2021

પ્રદેશ અધ્‍યક્ષ-પૂર્વ અધ્‍યક્ષ-શહેર પ્રમુખ અને ધારાસભ્‍યોએ રાતોરાત કોંગ્રેસના ઉમેદવારો બદલ્‍યાઃ હાઇકમાન્‍ડને રીપોર્ટ કરવાનું જણાવતા કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરીયા

અમદાવાદ: અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ જોવા મળી છે. નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઈ ગઈ હોવાનો આરોપ ઉઠ્યો છે. 20 પેનલોમાં ઉમેદવારો રાતોરાત બદલવામાં આવ્યા હોવાનું કહેવાયું છે. પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, શહેર પ્રમુખ અને ધારાસભ્યોએ રાતોરાત ઉમેદવાર બદલ્યા છે. આ આક્ષેપ કોંગ્રેસના નિરીક્ષક રહેલ દિપક બાબરીયાએ કર્યાં છે. તેમણે પ્રદેશ અધ્યક્ષને કાર્યકરોને ઉલ્લેખીને પત્ર લખ્યો છે. જેમાં યોગ્ય અને કાબીલ કાર્યકરોને ટિકિટ ના અપાવી શકવા બદલ કમનસીબી વ્યક્ત કરી છે. 

દીપક બાબરીયાએ કાર્યકરોની આશા અપેક્ષા પૂર્ણ ના કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. નિરીક્ષક દિપક બાબરીયાએ આ અંગે કહ્યું કે, નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ કોંગ્રેસ કામ ના કરી શકી. દરેક 25 બૂથે એક ઉમેદવાર નક્કી કરાયા હતા. વિશ્વસનીય ઉમેદવાર પસંદ કરવાનું નક્કી કર્યું હતું. બે વાર હારેલ અને અન્ય પક્ષમાંથી આવેલાને ટિકિટ આપવામાં ના આવે એમ નક્કી કરાયું હતું. નક્કી કરાયેલ ધોરણો મુજબ કોંગ્રેસના ઉમેદવાર પસંદ ના થયા. મોટા આગેવાનો પોતાના માણસને ટિકિટ આપવા દબાણ કર્યો. તેમજ ભલામણ કરનાર કમિટી તરીકે અમે યોગ્ય ઉમેદવાર ના આપી શક્યો. નિરીક્ષકોએ આપેલ નામો રાતોરાત પ્રદેશ નેતાઓએ બદલી નાંખ્યા. પ્રદેશ કોંગ્રેસમાં ચાલતી પોલમપોલ અંગે હાઇકમાન્ડને રિપોર્ટ થશે. AICC ને ઉમેદવાર પસંદગીમાં થયેલ પોતાના વાત અંગે પાર્ટીને રિપોર્ટ કરશે. કાર્યકરોને નાસીપાસ થયા વિના રાહુલ ગાંધીના નેતૃત્વમાં નકારાત્મક વિચારધારાને પરાસ્ત કરવા અપીલ કરી હતી.

તો દીપક બાબરીયાના અક્ષેપો અંગે અમિત ચાવડાએ કહ્યું કે, મોટા સમુહમા માંગણીદાર હોય ત્યારે કોઈક નારાજગી થાય તે સ્વાભાવિક છે. દીપકભાઈ અમારાં સિનિયર નેતા છે. જે યોગ્ય લોકો હતા તે તમામને તક આપવામાં આવી છે. સુરતમાં એક વોર્ડમાં ગેરસમજ ઊભી થઈ હતી, જેથી ફોર્મ ન ભરાયું. માત્ર કૉંગ્રેસ જ નહિ, ભાજપમાં પણ નારાજગી છે. તો ઈમરાન ખેડાવાલાના રાજીનામા અંગે તેમણે કહ્યું કે, ઇમરાનભાઈએ એમની નારાજગી અમને વ્યકત કરી હતી. જ્યાં ક્ષતિ હતી તેને સુધારવાની બાંહેધરી આપી છે. તેમણે પાર્ટી સાથે જ જોડાઈને રહેવા કહ્યુ હતું. અમે ઇમરાન ખેડાવાલાનું રાજીનામું સ્વીકાર્યું નથી. આગામી દિવસોમાં કૉંગ્રેસ 11 તારીખથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે. ટેક્નિકલ કારણોના આધારે જે ફોર્મ રદ્દ થયાં છે તેમાં કાયદાકીય રસ્તો શોધી રહ્યાં છીએ.

(4:53 pm IST)